છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના સભ્યો ગુજરાત વિધાનસભાની અભ્યાસ મુલાકાતે
છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના સભ્યોએ ચેરમેન શ્રી બાબુલાલ શર્માની આગેવાનીમાં ગુજરાત વિધાનસભાની કામગીરીના અભ્યાસના હેતુથી આજે ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. આ કમિટીના સભ્યો અભ્યાસ પ્રવાસના હેતુથી તા.૬ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલે સૌનું સ્વાગત કરીને વિધાનસભામાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓને અપાતી વ્યવસ્થા- સુવિધા અંગે સવિસ્તૃત વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં ચાલતી કાર્યવાહીના મીડિયા કવરેજ માટે અગ્રગણ્ય અખબારો અને ચેનલના પ્રતિનિધિઓને કવરેજ માટે પ્રવેશ આપવામાં આવ્યો છે. આ માટેના નિયમો ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવે છે. ગૃહમાં ચાલતી કાર્યવાહીની માહિતી ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે રાજ્યના માહિતી ખાતા દ્વારા 'લોકશાહીના ધબકારા' સ્વરૂપે એપિસોડ પણ વિવિધ ચેનલોમાં પ્રસારીત કરવામાં આવે છે. આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં મીડિયા સંકલનની સમગ્ર કામગીરી રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા કરવામાં આવે છે.
આ મુલાકાત દરમિયાન વિધાનસભાના નાયબ સચિવ ડૉ.હર્ષિલ પટેલે વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે કમિટીના સભ્યોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કમિટીના સભ્યોને મીડિયા બાઇટરૂમ, વિધાનસભા પોડિયમ, ગ્રંથાલય સહિતની વ્યવસ્થાથી વાકેફ કર્યા હતા.
સમિતિના ચેરમેન શ્રી બાબુલાલ શર્મા સહિત કમિટીના સભ્યો ગુજરાતના આતિથ્ય તેમજ વિધાનસભા દ્વારા કરવામાં આવતી પ્રેસ વ્યવસ્થા સહિતની કામગીરીથી પ્રભાવિત થઇને વિધાનસભાના સચિવશ્રી સહિત સૌનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના ચેરમેન અને સભ્યોએ ગુજરાત વિધાનસભાના સચિવ સહિત અધિકારીઓને છત્તીસગઢ વિધાનસભાની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યું હતું.
આ અભ્યાસ પ્રવાસમાં છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના સભ્યો, સિનિયર ઇફોન્ફરમેશન ઓફિસર, ઉપસચિવ, સિનિયર રિપોર્ટર, વિવિધ ચેનલોના બ્યૂરો ચીફ અને રિપોર્ટરો ઉપસ્થિત રહ્યાં હતાં.












Click it and Unblock the Notifications
