CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના આ જિલ્લાને 358 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે
Gujarat News: ડીસામાં રૂપિયા 80 કરોડના ખર્ચે નિર્માણ થનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 6 અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત

Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ગુરૂવાર 24 જુલાઈએ એક જ દિવસમાં 358.37 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે. CM ગુરુવારે સવારે 10:00 કલાકે સુઈગામ પહોંચશે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 1.83 કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કરશે. એસ.ટી. નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી 1963 નવિન બસોના પ્રથમ ચરણમાં 11 નવિન બસોને તેઓ ફ્લેગઓફ પણ આપવાના છે.
આ ઉપરાંત નડાબેટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય, માર્ગ મકાન, શિક્ષણ, ઉર્જા સહિતના વિભાગોના 55.68 કરોડ રૂપિયાના ઈ-લોકાર્પણ અને 302.69 કરોડના ઈ-ખાતમુહૂર્ત કામો CM ભૂપેન્દ્ર પટેલ સંપન્ન કરશે.
રાજ્ય સરકારે છેવાડાના ગામોના બાળકોને પણ શાળા-શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના વર્ગખંડોનું નિર્માણ હાથ ધરેલું છે. બનાસકાંઠામાં આવા 45 નવા વર્ગખંડોના લોકાર્પણ અને 54ના ખાતમુહૂર્ત ગુરુવારે યોજાનારા કાર્યક્રમમાં થશે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ગુણવત્તા યુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવાના હેતુથી અંદાજે રૂપિયા 29 કરોડ ના ખર્ચે નિર્માણ થયેલા 66 કે.વી ના 3 સબ સ્ટેશનના લોકાર્પણ અને બે સબ સ્ટેશનના ખાતમુહર્ત તેઓ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કરવાના છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત અને પદાધિકારીઓ આ સમારોહમાં CM સાથે સહભાગી થશે.












Click it and Unblock the Notifications
