કર્મકાંડને વ્યવસાય ગણી બ્રાહ્મણોને સરકાર તાત્કાલિક ધોરણે લોન આપે : ડૉ. યજ્ઞેશ દવે
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાનામહામંત્રી ડૉ. યજ્ઞેશ દવેએ સરકાર સમક્ષ રજૂઆત કરી.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાનામહામંત્રી ડૉ. યજ્ઞેશ દવેએ સરકાર સમક્ષ રજૂઆત કરી કે કોરોના મહામારીના કારણે ભારતભરમાં અને ગુજરાતમાં તમામ મંદિરો બંધ છે અને સાથે સામાન્ય પ્રસંગો પર પણ પ્રતિબંધ છે. જેના કારણે ગુજરાતમાં વસતા કર્મકાંડી બ્રાહ્મણોનો વ્યવસાય બંધ થવાથી તેમની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં 62 લાખથી વધુ બ્રાહ્મણો વસવાટ કરે છે. જે પૈકી મોટાભાગના બ્રાહ્મણ પરિવારો કર્મકાંડ અને રસોઈના વ્યવસાય સાથે સંકળાયેલા છે જે છેલ્લા બે મહિનાથી સંપર્ણપણે બંધ છે અને આવનારા સમયમાં પણ બંધ રહે તેવુ લાગી રહ્યુ છે.

25 હજારથી લઈને 1 લાખ સુધીની લોન આપવામાં આવે
ડૉ. યજ્ઞેશ દવેએ રજૂઆત કરી કે ભારત સરકારની આત્મનિર્ભર યોજના અન્વયે ગુજરાત સરકારે કરેલા નાના વ્યવસાય માટેની લોન હેઠળ એક લાખ સુધીની લોનની યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં વસતા કર્મકાંડ અને રસોઈ કરતા આર્થિક રીતે નબળા બ્રાહ્મણોને 25 હજારથી લઈને 1 લાખ સુધીની લોન ધારાધોરણ મુજબ તાત્કાલિક ધોરણે આપવામાં આવે જેથી તેમનુ જીવનધોરણ સચવાઈ રહે.

કર્મકાંડી બ્રાહ્મણો, રસોઈયાઓને પણ નાના વ્યવસાયમાં ગણો
ડૉ. યજ્ઞેશ દવેએ જણાવ્યુ કે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સરકારે નબળા વર્ગો માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. તેમાં પણ ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા અને રોજેરોજનુ લાવીને ખાતા લોકો માટે તેમજ નાના ઉદ્યોગકારો માટે સરકારે જે પ્રયત્નો કર્યા છે તે બદલ ગુજરાત સરકારને અભિનંદન આપુ છુ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાના મહામંત્રી તરીકે ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો, રસોઈયાઓને પણ નાના વ્યવસાયમાં ગણી ભલે ઓછી પણ લોન આપો. અમે સરકારી સહાયની માંગણી નથી કરતા પરંતુ લોન આપવાની માંગણી કરી રહ્યા છે.

કોરોનાના કારણે આખુ વર્ષ ખરાબ જાય તેવી સ્થિતિ
નાના વ્યવસાય તરીકે જો તમે વાળંદ, મોચી, દરજી, માળી કોઈ પણ સમાજના પરંપરાગત વ્યવસાયને જો તમે આવરી લેતા હોય તો કર્મકાંડ અને રસોઈ એ બ્રાહ્મણોનો પરંપરાગત વ્યવસાય છે અને તેઓ નબળી આર્થિક સ્થિતિ ધરાવે છે. માટે અમારી માંગણી છે કે તેમના વ્યવસાયને પણ નાના વ્યવસાય હેઠળ આવરી લેવા જોઈએ. ઉનાળાનો 2 મહિનાનો સમય એ લગ્નગાળો હતો જેમાં બ્રાહ્મણો આખા વર્ષનુ રળી લેતા હોય છે. કોરોનાના કારણે આખુ વર્ષ ખરાબ જાય તેવી સ્થિતિ છે. અમે લાઈટબિલ તેમજ સ્કૂલ ફીની માફીની પણ માંગણી કરેલી છે.












Click it and Unblock the Notifications
