કોરોનાવાઇરસ : ગુજરાતમાં શાળાઓ ફરીથી શરુ કરવી એ યોગ્ય પગલું છે?
ગુજરાતમાં શાળાઓ ફરીથી શરુ કરવી એ યોગ્ય પગલું છે?

બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 અને સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લાં વર્ષનું શૈક્ષિણક કાર્ય શરુ કરવામાં આવશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય વિશે જાહેરાત કરી અને જણાવ્યું કે કે કોવિડ-19ના પ્રૉટોકૉલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચુડાસમાએ કહ્યું કે બીજા વર્ગો શરુ કરવા માટે રાજ્ય સરકાર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાત 14મું રાજ્ય છે, જેને ફરીથી શાળાઓ શરુ કરવાનો નિર્ણય લીધો. અત્યાર સુધી બિહાર, આસામ, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઝારખંડ. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, કર્નાટક, આંધ્ર પ્રદેશ અને સિક્કિમમાં શાળાઓ ફરીથી શરુ કરવામાં આવી છે. આ રાજ્યોમાં ધોરણ 9 - 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર પુડ્ડુચેરીમાં પણ શાળાઓ શરુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનાં સૌથી વધુ કેસો જ્યાં નોધાયા છે એ પૂણેમાં પણ શાળાઓ અને કૉલેજો કરીથી શરુ થઈ ગયા છે. પૂણે સાથે નાગપુરમાં શાળાઓ ખૂલી ગઈ છે પરતું માત્ર ધોરણ 9- 12ના વિદ્યાર્થીઓ માટે.
શું શાળાઓ ખૂલવી જોઈએ?

કેન્દ્ર સરકારે કોરોનાની બે વૅક્સિનને મંજૂરી આપી દીધી છે અને કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. પરતું શું શાળાઓ ફરીથી શરુ કરવી એ યોગ્ય પગલું છે?
બીબીસી સાથેની વાતચીતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકર કહે છે, "શાળાઓ ખૂલવી જોઈએ પરતું સોશિયલ ડિસ્ટેનસિંગ જાળવવું જોઈએ. કારણકે તમે કેટલા સમય સુધી શાળાઓ બંધ રાખશો. ભારતનો કોરોના કર્વ જોઈએ તો 90000 કેસોથી આજે આપણે બહુ સારી સ્થિતિમાં છીએ અને શાળાઓ - કૉલેજો શરુ કરી શકાય છે."
તેઓ જણાવે છે કે, "ક્લાસરુમમાં સારું વૅન્ટીલેશન હોવું જોઈએ જેથી હવાની અવર-જવર થઈ શકે. હવાની અવર-જવરથી સંક્રમિત થવાનું જોખમ ઘટાડી શકાય છે. વિદ્યાર્થીઓને અલગ-અલગ બેસાડવું જોઈએ. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને, જેમના ઘરે ઘરડાં લોકો છે."
"વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંક્રમિત થવાનું પણ જોખમ છે પરતું જો કોરોના વાઇરસના પ્રૉટોકૉલનું પાલન કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે. શાળાઓએ પણ આ દિશામાં કામ કરવું પડશે."
માવળંકર પણ સ્વીકારે છે કે ઑનલાઇન શિક્ષણ કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને તેનાથી કેટલો લાભ થઈ રહ્યો છે તે વિશે હજી પણ શંકા છે. એટલા માટે શાળાઓ ખૂલે એ જરુરી છે.
- ગુજરાતમાં સરકારી શાળાઓએ ખાનગી શાળાઓ કરતાં સારી કામગીરી કરી?
- ગુજરાતમાં મહામારીમાં શાળાઓ ખૂલશે તો બાળકો 'સુપરસ્પ્રેડર' બનશે?

શિક્ષણવિદ રોહિત શુક્લ કહે છે, "શાળાઓ ખૂલવી બહુ જરુરી છે કારણકે બાળકોનો સામાજીક અને માનસિક વિકાસ અટકી ગયો છે. ઑનલાઈન શિક્ષણમાં જોઈએ એટલી સારી રીતે ભણી શકાય નહીં. અભ્યાસ બગડવાથી બાળકનું સંપૂર્ણ વર્ષ બગડી જાય છે, જે ગંભીર બાબત છે."
"શાળા બંધ થવાના કારણે શિક્ષણને બહુ મોટી ખોટ ગઈ છે. આઈઆઈએમના અભ્યાસમાં પણ પુરવાર થયું છે કે પ્રાથમિક શિક્ષણ બંધ થવાના કારણે ઘણાં બાળકોને મધ્યાહન ભોજન નથી મળ્યું."
તેઓ જણાવે છે કે શાળા બંધ થતાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પર સૌથી વધુ અસર થઈ છે. ઘણા વિદ્યાર્થીઓ હજી પણ ટ્રોમામાં છે. રાજ્ય સરકાર સ્ટાર્ન્ડડ ઑપરેટીવ પ્રોસીઝર (એસઓપી)ની જાહેરાત કરીને શાળાઓ શરુ કરી શકી હોત.
"ઉત્તર યુરોપમાં શાળાઓએ પુરવાર કરી બતાવ્યું છે કે સાવચેતી રાખીને બાળકોને ભણાવી શકાય છે. તે જ રીતે કોરોના વાઇરસના દરેક પ્રૉટોકૉલનું પાલન કરીને ભારતમાં પણ શિક્ષણકાર્ય શરુ કરી શકાય છે."
ઑલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ કહે છે, "ધોરણ 10 અને 12ના વર્ગો શરુ થાય એ બાળકો માટે સારી વાત છે અને વાલી મંડળ તેનું સ્વાગત કરે છે. પરતું શાળાએ દરેક સાવચેતી રાખવી જોઈએ જેથી બાળકોને કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે. અમે આ વિશે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ જણાવ્યું છે અને તેમને અમને ખાતરી આપી છે કે શાળાઓમાં બધી કાળજી લેવામાં આવશે."
શું કહે છે શાળા સંચાલકો?

ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખૂલે એ બહુ જરુરી છે. મે મહિનામાં બોર્ડની પરીક્ષાઓ છે અને જો શાળા ખૂલે તો વિદ્યાર્થીઓ સારી રીતે રિવીઝન કરી શકે છે."
"દેશના ઘણાં રાજ્યોમાં ધોરણ 9 - 12ના વર્ગો શરુ થઈ ગયા છે અને એટલે ગુજરાતમાં પણ ખૂલવું જોઈએ. શાળામાં ધોરણ 9 -12નાં વિદ્યાર્થીઓ પાસે સોશિઅલ ડિસ્ટેન્સિંગ અને કોવિડ પ્રૉટોક઼ૉલનું સારી રીતે પાલન કરાવી શકાય છે."
"રાજ્યમાં શાળાઓએ નક્કી કર્યું છે કે અડધા વિદ્યાર્થીઓને સોમવાર, બુધવાર અને શુક્રવાર બોલાવવામાં આવશે અને બાકીના વિદ્યાર્થીઓને અન્ય દિવાસોમાં બોલાવવામાં આવશે. સોશિયલ ડિસ્ટેનસિંગનો ભંગ ન થાય તે માટે વિદ્યાર્થીઓને રિસેસ આપવામાં આવશે નહીં."
તેઓ જણાવે છે કે શાળા શરુ થયા બાદ સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે એસઓપી જાહેર કરવામાં આવી છે, તે શાળાઓ ચુસ્ત રીતે પાલન કરશે. એક ક્લાસમાં 18 થી 20 વિદ્યાર્થીઓ હશે.
મંડળ અનુસાર ગુજરાતમાં 15860 ખાનગી શાળઓ અને 34000 સરકારી અને ગ્રાંટેડ શાળાઓ છે, જેમાં 1.75 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કહે છે, "શાળાઓ શિક્ષણકાર્ય શરુ કરવા તૈયાર છે. 6 નવેમ્બર 2019માં અમે શાળાઓ શરુ કરવા તૈયાર હતા પરતું કોરોના વાઇરસનું સંક્રમણ વધતા નિર્ણય મોકુફ રાખવો પડ્યો હતો."
"શાળઓ સેનિટાઇઝેશન અને બીજી વ્યવસ્થાઓ કરશે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ચેપ ન લાગે. અમે એ પણ ધ્યાન રાખીશું કે વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટેન્સિગનું પાલન કરે અને હાથ સેનિટાઇઝ કરે."
"જો ધોરણ 10 અને 12ના વર્ગો સારી રીતે શરુ થઈ જાય ત્યારબાદ ધોરણ 9 અને 11 શરુ કરવામાં આવશે. આ શૈક્ષિણક વર્ષમાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો શરુ થાય તેની શક્યતા ઓછી છે."
શું વાલીઓ બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે? તેના જવાબમાં જતીન ભરાડે કહે છે, "70 ટકા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે કારણકે વાલીઓને પણ પોતાના બાળકના શિક્ષણને લઈને ચિંતીત છે."
શાળા ખૂલ્યાં બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત મળી આવ્યાં

કર્નાટક, આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં શાળાઓ ખૂલ્યાં બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત થવાના કિસ્સા નોંધાયાં હતા. ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર 1જાન્યુઆરી 2021માં કર્નાટકમાં શાળાઓ શરુ થયા બાદ 50 શિક્ષકો કોરોના વાઇસરથી સંક્રમિત મળી આવ્યાં હતા.
અહેવાલ અનુસાર બેલવાગી જિલ્લામાં 22 શિક્ષકો કોરોના પૉઝિટીવ મળી આવતા તેમને હોમ-ક્વોરૅન્ટિનમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.
અહેવાલ અનુસાર ચિત્રાદુર્ગા જિલ્લામાં 6 શિક્ષકો કોરોના પૉઝિટીવ મળી આવતા સાત શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ચિલમંગલુરુમાં ચાર વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો કોરોના પૉઝિટીવ મળી આવતા વહીવટીતંત્ર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.
નવેમ્બર 2020માં શાળા શરુ કરવાનાં ત્રણ દિવસની અંદર આંધ્ર પ્રદેશમાં 829 શિક્ષકો અને 575 વિદ્યાથીઓ કોરોનાથી સંક્રમિત હોવાના મળી આવ્યા હતા. રાજ્ય સરકારના આદેશ બાદ 2 નવેમ્બરના રોજ ધોરણ 9 અને 10ના વર્ગો શરુ થયા હતા.
હરિયાણામાં પણ રાજ્ય સરકારે 2 નવેમ્બર 2020ના રોજ ધોરણ 9 -12ના વર્ગો શરુ કર્યા હતા. બે અઠવાડિયા બાદ 150 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો કોરોના પૉઝિટીવ મળી આવતા રાજ્ય સરકારને જે-તે શાળા બંધ કરવાની ફરજ પડી હતી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર રેવાડી જિલ્લાના 13 શાળાનાં 91 વિદ્યાર્થીઓ, જિંદ જિલ્લાનાં જુદી-જુદી શાળાના 30 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો અને ઝજરજિલ્લાનાં 34 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના પૉઝિટીવ મળી આવ્યા હતા.


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
