ગુજરાત કોર કમિટીનો નિર્ણય, સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કર્મીઓ ગણાશે કોરોના વૉરિયર્સ
ગુજરાત રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી કરતા સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વૉરિયર્સ ગણવામાં આવશે.
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી કરતા સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વૉરિયર્સ ગણવામાં આવશે. સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વૉરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર તમામ લાભ 1 એપ્રિલ, 2020ની અસરથી આપવામાં આવશે. વળી, સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનુ કોરોનાના કારણે મૃત્યુ થાય તો પરિવાર અને વારસદારોને 25 લાખ રૂપિયાની સહાય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ખાનગી હોસ્પિટલોમાં મા કાર્ડનો ઉપયોગ કરી શકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જાહેર કર્યુ હતુ કે રાજ્યના મધ્યમ વર્ગના પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. મા કાર્ડ ધરાવતા પરિવારમાં કોરોના સંક્રમણ થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં રોજના 5000 રૂપિયા સુધીની મર્યાદામાં 10 દિવસના પચાસ હજાર રૂપિયા સુધીની સારવાર આ કાર્ડમાંથી મળવાપાત્ર રહેશે. રાજ્યમાં હાલની સ્થિતિમાં મા અને વાત્સલ્ય કાર્ડનો લાભ 10 જુલાઈ, 2021 સુધી આપવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો આવા કાર્ડ ધરાવે છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસો
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 11,017 કેસો નોંધવામાં આવ્યા હતા. રાજ્યમાં બુધવારે 102 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં નવા કેસોની સંખ્યા 3 હજારથી ઘટીને 2,795 થઈ હતી. સુરતમાં 781, વડોદરામાં 664 ને રાજકોટમાં 335 કેસ નોંધવામાં આવ્યા હતા. રાજ્યમાં રિકવરી રેટ વધીને 80.94 ટકા થયો. રાજ્યમાં એક દિવસમાં 1.87 લાખ લોકોને રસી મૂકવામાં આવી ત્યારબાદ અત્યાર સુધી 1.45 કરોડ લોકો રસી મેળવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
