બનાસકાંઠા: દાંતીવાડા જળાશય યોજનામાં રવિ સીઝન 2025-26 માટે 18 હજાર હેક્ટરમાં સિંચાઈનું આયોજન
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. દાંતીવાડા જળાશય યોજના હેઠળ વર્ષ 2025-26ની રવિ સિઝન માટે સિંચાઈના પાણીનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. જળાશયમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે, કુલ 18,000 હેક્ટર વિસ્તારમાં (5 પાણ) પાણી પૂરું પાડવાનું આયોજન કરાયું છે.
કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, ડીસા દ્વારા એક અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે, અને કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સમયસર અરજી કરવા સૂચના આપવામાં આવી છે.

પાણી મેળવવા માટેની મહત્ત્વની તારીખો અને શરતો
પાણી મેળવવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના ખેડૂતો (બાગાયતદારો) ને નીચે મુજબની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
- અરજી કરવાની છેલ્લી તારીખ: ખેડૂતોએ નિયત નમૂના ફોર્મ-7 માં જરૂરી વિગતો ભરીને તેમના વિસ્તારના અનુભાગ નિરીક્ષક અથવા વર્ક આસિસ્ટન્ટને રૂબરૂમાં તા. 30/11/2025 સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે.
- બાકી રકમ ભરવી ફરજિયાત: અરજી સાથે ખાતાની, પંચાયતની બાકી રકમ અને ચાલુ સિઝનની આગોતર સિંચાઇ પિયતની રકમ પૂરેપૂરી ભરવાની રહેશે. આ સિવાયની અરજીઓ સ્વીકારાશે નહીં.
- વર્તમાન સિંચાઈ દર: ચાલુ વર્ષ માટે પ્રતિ પાણ દીઠ રૂ. 349.00 તથા 20% લોકલ ફંડ (રૂ. 70.00), એમ મળીને કુલ રૂ. 419.00 પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે.
- પાણીનો પાસ: સિંચાઈનું પાણી મેળવવા માટે પાણીનો પાસ મેળવવો ફરજિયાત છે. પાસ વિના પાણી આપવામાં આવશે નહીં.
- સહકારી મંડળીઓ માટે: સિંચાઇ પિયત સહકારી મંડળીઓ અને સંઘોએ પણ નિયત સમયમર્યાદામાં અરજી કરી, આગોતર તેમજ બાકી વસૂલાતની રકમ જમા કરાવવાની રહેશે.
- ખેડૂતની જવાબદારી: ખેતરો સુધી ઢાળિયા (નાની નહેરો) તૈયાર કરવાની જવાબદારી ખેડૂતની પોતાની રહેશે.
દાંતીવાડા જળાશયના પાણીથી રવિ સિઝનના પાકને મોટો લાભ થશે, તેથી ખેડૂતોને નિયત સમયમર્યાદામાં અરજી કરવા અને જરૂરી શુલ્ક ભરવા માટે અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
