Dhaaj Village in Surat : સુરત જિલ્લાનું ધજ ગામ, ગુજરાતનું પહેલું ઈકો વિલેજ
Dhaaj Village in Surat : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ બન્યું છે. ગાઢ જંગલો અને પ્રકૃતિની મધ્યે વસેલું આ ગામ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે દેશભરમાં પ્રેરણારૂપ છે.
સુરત વન વિભાગ અને ગુજરાત ઈકોલોજી કમિશન (GEC) દ્વારા 2016માં ધજ ગામને ઈકો વિલેજ તરીકે જાહેર કરાયું હતું.

ધજ ગામની વિશેષતાઓ
- સૌર ઊર્જા : ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટ અને ગ્રીન એનર્જી ઉકેલ માટે સૌર પેનલ્સ લગાવવામાં આવ્યા છે.
- બાયોગેસ અને ગોબર ગેસ : ગ્રામજનો માટે સ્વચ્છ અને પ્રાકૃતિક ઇંધણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેનાથી ધૂમાડા અને લાકડાના વપરાશમાં ઘટાડો થયો છે.
- જળ સંરક્ષણ: રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ભૂગર્ભ જળ ટાંકાની સુવિધા ગામના કૃષિ અને દૈનિક ઉપયોગ માટે પ્રદાન કરવામાં આવી છે.
- દૂધ મંડળી અને આત્મનિર્ભરતા : ધજ મહિલા દૂધ મંડળી દ્વારા મહિલાઓ દૈનિક 10,000-12,000 રૂપિયા કમાય છે, જેનાથી આર્થિક સ્વાવલંબન વધ્યું છે.
- ટકાઉ ખેતી અને પર્યાવરણ જાળવણી : પ્રાકૃતિક ખેતી અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ છે.
- સ્વચ્છતાનું પ્રેરક મોડેલ : ઘનકચરા વ્યવસ્થાપન માટે વર્ગીકૃત યુનિટ બનાવવામાં આવ્યું છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય
ધજ ગામ પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના, આયુષ્માન ભારત, રેશનકાર્ડ દ્વારા ગરીબ કલ્યાણ યોજના જેવા વિવિધ સરકારી લાભો પ્રાપ્ત કરી રહ્યું છે. ગ્રામજનો માટે BSNL મોબાઈલ ટાવર સ્થાપિત કરી કનેક્ટિવિટી અને ડિજિટલ સુવિધાઓ વધારવામાં આવી છે.
અગાઉ ગામમાં વીજળી, પાના-પખાલા રસ્તા અને પીવાના પાણીની સમસ્યા હતી. આજે સૌર ઊર્જા, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ગોબર ગેસ યુનિટ અને શૌચાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
આગામી યોજનાઓ
ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને આગામી ઈકો વિલેજ તરીકે વિકસિત કરવાનું આયોજન છે. વન વિભાગ અને ગુજરાત ઈકોલોજી કમિશન મળીને પર્યાવરણને અનુકૂળ ટેકનિકનો ઉપયોગ કરીને આ પરિવર્તન લાવી રહ્યા છે.
ઈકો વિલેજ શું છે?
ઈકો વિલેજ એ એવી પરિકલ્પના છે જ્યાં પર્યાવરણ જાળવણી, પ્રાકૃતિક સંસાધનોનો સદઉપયોગ, સૌર ઉર્જા, ટકાઉ ખેતી અને સ્વચ્છતા જેવા કાર્યો દ્વારા સ્વસ્થ અને આત્મનિર્ભર ગ્રામ જીવન નિર્માણ થાય.
ભારતમાં અન્ય પ્રેરક ઈકો વિલેજ
ભગુવાર (મધ્યપ્રદેશ)
ઓરોવિલે (તમિલનાડુ)
પીપલાંત્રી (રાજસ્થાન)
ગોવર્ધન (મહારાષ્ટ્ર)
સિદ્ધાર્થ (ઓડિશા)
ખોનોમા (નાગાલેન્ડ)
ધજ ગામ એક મોડેલ ઈકો વિલેજ છે, જે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ વિકાસ માટે ઉદ્દાહરણરૂપ છે. ગુજરાત સરકાર અને વન વિભાગના પ્રયાસોથી આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સુધારો થયો છે, જેનાથી ગામના લોકોનું જીવન વધુ સમૃદ્ધ અને આરોગ્યદાયક બન્યું છે.












Click it and Unblock the Notifications
