વલસાડમાં લમ્પી વાયરસને અટકાવવા જિલ્લા કલેકટરે રિવ્યૂ મીટિંગ યોજી!
વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ અંગે સતર્કતા અને કટિબધ્ધતા માટે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ અંગે સતર્કતા અને કટિબધ્ધતા માટે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં દૂધ મંડળીઓ સાથે સંકલન સાધી પ્રાથમિક ધોરણે પશુપાલકોના દૂધાળા પશુઓ અને રખડતા ઢોરોનું રસીકરણ કરવા માટે સૂચન કર્યું હતું. આ સાથે જ જરૂરીયાત મુજબનો રસીનો સ્ટોક પણ જિલ્લામાં ઉપલબ્ધ કરવા જરૂરી પગલાં લેવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

જોકે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસનો એક પોઝિટિવ કેસ આવ્યો છે અને હાલમાં તેની રિકવરી થઈ ગઈ છે. પરંતું, જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા માટે તંત્ર એકશન મોડમાં આવી જઈ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં પશુપાલન ખાતાની રોજે રોજની કામગીરીનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે.
કલેકટરે ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, જિલ્લાની દૂધ મંડળીનો સંર્પક કરી દૂધાળા પશુઓનું રસીકરણ પ્રાયોરીટીના ધોરણે થવું જોઈએ. રખડતા પશુઓથી લમ્પી રોગ વધુ પ્રસરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી તેઓનું પણ તાત્કાલિક ધોરણે રસીકરણ થઈ શકે તે માટે વલસાડ અને વાપી નગરપાલિકાને રખડતા પશુઓ પકડવા અને તેઓનું રસીકરણ કરવા માટે પશુપાલન ખાતાને જણાવ્યું હતું. આ સિવાય ધરમપુર, પારડી અને ઉમરગામ પાલિકાની ટીમને પણ પશુપાલન ખાતા સાથે સંકલન સાધી રસીકરણની કામગીરી પર ભાર મુકવા જણાવ્યું હતું.
લમ્પી વાયરસ મચ્છર, માખી, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાતો હોવાથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને મચ્છર અને માખીનો ઉપદ્રવ અટકાવવા માટે ફોંગિગ સહિતના જરૂરી પગલાં લેવા માટે જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં હાલમાં 14300 ડોઝ ઉપલબ્ધ છે. જેથી રસીકરણની કામગીરી વધુ વેગવંતી બનાવવા જણાવ્યુ હતું. કુલ 1914 પશુઓનું રસીકરણ કરાયું હતું. વલસાડ જિલ્લામાં કુલ 415 દૂધ મંડળીઓ છે જે પૈકી 5 કિમીની અંદર આવતી મંડળીઓના પશુઓનું સૌ પ્રથમ રસીકરણ કરાઈ રહ્યુ હોવાની માહિતી પશુપાલન અધિકારીએ આપી હતી.












Click it and Unblock the Notifications
