કોરોનાના JN.1 વેરિએન્ટની ચિંતા ન કરો, સતર્કતા રહો: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
Corona JN.1 variant: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.
રાજ્યમાં કોરોનાની તારીખ 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલા કોરોના કેસના જીનોમ સિક્વસિંગના રિપોર્ટ તારીખ 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિએન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે, અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિએન્ટના પોઝિટિવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝિટિવિટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે, હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે, પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિક્વસિંગ કરવામાં આવે છે, તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિએન્ટના કેસ વધુ છે, તેમ મંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
