કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે DyCM હર્ષ સંઘવીએ 'સ્વચ્છતાના સેવકો' સાથે ભોજન લીધું
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ભાવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં એક પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓ સાથે બેસીને ભોજન લીધું અને તેમનું સન્માન કર્યું હતું.

DyCM સંઘવીએ સફાઈ કર્મચારીઓ સાથે લીધું ભોજન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત 'સ્વચ્છતાના સેવકો' સાથેના ભોજન સમારંભમાં ખાસ હાજરી આપી હતી. તેમણે માત્ર હાજરી જ નહોતી આપી, પરંતુ શહેરને ચોખ્ખું રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા 1500 જેટલા સફાઈ કામદારો સાથે જમીનને તેમની મહેનતને બિરદાવી હતી.
હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપ સૌ 'સ્વચ્છતાના સેવકો' છો, જેમના અવિરત અને નિષ્ઠાપૂર્ણ પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ દેશ અને દુનિયામાં વધે છે."
1500 સફાઈ કર્મીઓને સ્વેટર વિતરણ
આ વિશેષ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવાની સાથે-સાથે શિયાળાની શરૂઆત થતાં તેમને સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસે યોજાયેલો આ ભોજન સમારંભ અને સ્વેટર વિતરણનો કાર્યક્રમ, સમાજના પાયાના સ્તરે કાર્યરત શ્રમજીવીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરનારો એક સરાહનીય પ્રસંગ બની રહ્યો હતો.
આ પહેલ દ્વારા સફાઈ કર્મીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને તેમનો ઉત્સાહ વધારવાનો એક સકારાત્મક સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
