ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake News: ગુજરાતમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આજે શનિવારે વહેલી સવારે જ્યારે લોકો નિંદ્રામાં હતા, ત્યારે ભૂકંપના આંચકાએ અનેક લોકોને જગાડી દીધા હતા.

જંબુસર પાસે નોંધાયું કેન્દ્રબિંદુ
હવામાન અને સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે 4:46 વાગ્યે ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી અંદાજે 45 કિમી દૂર જંબુસર નજીક હોવાનું સામે આવ્યું છે. જોકે, તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકો સાવચેતીના ભાગરૂપે ઘરોની બહાર દોડી આવ્યા હતા.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છ જિલ્લામાં પણ સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાથી 32 કિમી દૂર 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ અગાઉ રાપર અને ખાવડા પંથકમાં પણ ધરા ધ્રુજી હતી. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં આવતા આ આંચકાઓએ ભૂસ્તરશાસ્ત્રીઓની ચિંતા વધારી છે.
ભૂકંપ સમયે સાવચેતી: શું કરવું અને શું ન કરવું?
ધરતીકંપ જેવી કુદરતી આફત સમયે ગભરાવાને બદલે સાવચેતી રાખવી જરૂરી છે. નિષ્ણાતો નીચે મુજબની સલાહ આપે છે:
- ટેબલ નીચે આશ્રય લો: જો તમે ઘરની અંદર હોવ તો મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે બેસી જાવ અને માથાને હાથ વડે ઢાંકી દો.
- ખૂણામાં ઉભા રહો: જો કોઈ મજબૂત વસ્તુ ન હોય તો રૂમના ખૂણામાં ઉભા રહી જાવ. કાચની બારીઓ, અરીસા અને ભારે કબાટથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ ટાળો: ભૂકંપ દરમિયાન બિલ્ડિંગની બહાર નીકળવા માટે ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરવો, કારણ કે પાવર કટ થતા ફસાઈ જવાની શક્યતા રહે છે.
- ખુલ્લા મેદાનમાં જાવ: જો તમે ઘરની બહાર હોવ તો બિલ્ડિંગો, વીજળીના થાંભલા અને મોટા ઝાડથી દૂર ખુલ્લા મેદાનમાં જતા રહો.
- વાહન થોભાવી દો: જો તમે ગાડી ચલાવી રહ્યા હોવ તો સુરક્ષિત જગ્યાએ વાહન ઉભું કરી દો અને અંદર જ બેસી રહો.












Click it and Unblock the Notifications
