પોતાનું ઘર બનાવો, હાઉસિંગ ફોર ઓલ હેઠળ સરકાર કરશે મદદ
Housing for All in Gujarat: ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલ નો સંકલ્પ કર્યો છે.
આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં 55575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા 1952 કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે.
જેમાં લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 1.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 3.50 લાખની સહાય ત્રણ તબક્કામાં ડી.બી.ટીના માધ્યમથી સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 9.78 લાખ જેટલા આવાસો મંજૂર કર્યા છે, તે પૈકી 8.63 લાખ આવાસો પૂર્ણ કર્યા છે, જેમાં ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6.13 લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે. જે માટે ગુજરાત અગ્રેસર રહ્યું છે, અને ગુજરાતને આ માટે 14 એવોર્ડ પણ મળ્યા છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધી બી.એલ.સી ઘટક હેઠળ 156978 આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી 120594 આવાસો પૂર્ણ થયા છે અને 36384 આવાસો પ્રગતિ હેઠળ છે.
આ માટે કેન્દ્ર સરકારના રૂપિયા 1938 કરોડ અને રાજ્ય સરકારના રૂપિયા 26556 કરોડ મળી કુલ રૂપિયા 4595 કરોડની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવનાર 5 વર્ષમાં સમગ્ર દેશમાં નવા 3 કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મળવાપાત્ર મહત્તમ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
