રાજકોટના દબંગ નેતા ઇન્દ્રનીલ ફરીથી ઉતરશે મેદાનમાં, સંવિધાન બચાવો રેલી સાથે કરશે ગર્જના
રાજકોટના દબંગ નેતા ઇન્દ્રનીલ ફરીથી ઉતરશે મેદાનમાં
સૌરાષ્ટ્રની રાજનીતિમાં અને ખાસ કરીને રાજકોટમાં પોતાનું આગવું વર્ચસ્વ ધરાવતાં નેતા અને ધનાઢ્ય રાજકારણીમાં જેમની ગણના થાય છે તેવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી રાજકારણમાં સક્રિય થઇ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડીને શાંત થઇ ગયેલા રાજકોટના દબંગ નેતાની છાપ ધરાવતાં ઇન્દ્રનિલ રાજ્યગુરુ સંવિધાન બચાવો દેશ બચાવોની રેલી સાથે મેદાનમાં આવી રહ્યા છે. રાજકોટના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુ રેલી રૂપે શક્તિ પ્રદર્શન કરશે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં 13 ફેબ્રુઆરીએ રેલી રૂપે શક્તિ પ્રદર્શનનું આયોજન કરાયુ છે.

સંવિધાન બચાવો દેશ બચાવો રેલીથી કરશે રણટંકાર
દેશની વિવિધ સંસ્થાનો CBI, EC, RBI સહિતને ખત્મ કરવામાં આવતી બચાવવાના ભાગરૂપે તેમણે રેલીનું આયોજન કર્યુ છે. સંવિધાન બચાવો, દેશ બચાવોની રેલીનુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં આયોજન કરાશે. આ રેલીમાં જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર, સ્વામી ચક્રપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ રેલી દ્વારા શક્તિપ્રદર્શન કરીને ઇન્દ્રનીલ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની રાજનીતિમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

રૂપાણી સામે વિધાનસભા ચૂંટણીમાં પરાજિત
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સ્થાન પામનાર નેતા છે. તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, જ્યાંથી રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભા પરિણામમાં વિજય રૂપાણી સામે તેમનો પરાજય થયો હતો. કોંગ્રેસ પક્ષથી નારાજગીને કારણે તેઓએ કોંગ્રેસને રામ રામ કહ્યા છે. પરંતું, તેમણે ભાજપ સાથે જોડાવાનો ઇન્કાર કરી દીધો છે. આગામી સમયમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં સક્રિય થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના રાજકારણમાં વધી શકે છે દબદબો
ઈન્દ્રનીલ રાજ્યગુરુનું રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ છે અને ખાસ કરીને રાજકોટ શહેરમાં બ્રહ્મ સમાજમાં તેમની સારી પકડ છે. ઉલ્લેખનીય છે કે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યગુરુ રાજકોટ પશ્ચિમ બેઠકથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડયા હતા. જો કે તેમની હાર થઈ હતી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલાં તેઓ ફરીથી સક્રિય થતાં રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. રાજકોટ ખાતે તેઓ આગામી 13 ફેબ્રુઆરીના રોજ રેલી સ્વરૂપે શક્તિપ્રદર્શન કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલાં તેમની સક્રિયતા નવા સંકેત રજુ કરી રહી છે. આગામી સમયમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમની ભૂમિકા વધી શકે છે.












Click it and Unblock the Notifications
