રવી માર્કેટિગ સીઝન 2023-24 લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવા લેવાયો નિર્ણય
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ- 2023 નિમિતિ ગુજરાતમાં પ્રથમવાર ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકા ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૩-૨૪માં લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ' તરીકે ઉજવી રહ્યું ત્યારે તેના ઉપલક્ષમાં ગુજરાતમાં પ્રથમ વખત ઘઉંની સાથે સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે તેમ ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કેબિનેટ બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું.

મંત્રી પટેલે કહ્યું હતું કે,ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહે છે.ખેડૂતોએ આ માટે તા.01 માર્ચથી એક માસ માટે એટલે કે 31 માર્ચ 2023 સુધી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યભરમાં આગામી તા. 01 એપ્રિલથી 15 જૂન 2023 સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેનો મહત્તમ લાભ લેવા રાજ્યના ખેડૂતોને મંત્રીએ અનુરોધ કર્યો હતો.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ, ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની તાજેતરની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો ,ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ આધાર તરીકે રજૂ કરવાની રહેશે તેમ મંત્રી પટેલે કહ્યું હતું.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતમાં ઘઉંની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2125ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ.425/- ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.બાજરીની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2350ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 470/- ના ટેકાના ભાવે, જુવાર (હાઈબ્રિડ)ની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2970ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ.594/- જુવાર (માલદંડી)ની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2990ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 598/- તેમજ રાગીની પ્રતિ ક્વિન્ટલ રૂ. 3578ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 715.60/-ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ વર્ષે ટેકાના ભાવે 2.00 લાખ મેં. ટન ઘઉં, 50,000 મેં.ટન બાજરી, 4000 મેં.ટનજુવાર (હાઈબ્રિડ) તેમજ જુવાર (માલદંડી) અને 1,000 મેં.ટન રાગીની ટેકાના ભાવે ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેમ મંત્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું.












Click it and Unblock the Notifications
