For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ માટે સ્થાનિકસ્વરાજનું ચૂંટણી પરિણામ તક છે કે નવી આફત?

હાર્દિક પટેલ માટે સ્થાનિકસ્વરાજનું ચૂંટણી પરિણામ તક છે કે નવી આફત?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

છ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે 31 જિલ્લા પંચાયતોમાં પણ ઐતિહાસિક જીત મેળવી. વળી નગરપાલિકા,તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો મોટા પાયે વિજય થયો છે.

શહેરીવિસ્તારો બાદ ગ્રામીણવિસ્તારમાંથી પણ કૉંગ્રેસ સાફ થતી જણાય છે અને પરિણામ પહેલાં જ પાર્ટીના આંતરિક મતભેદ બહાર આવી ગયા હતા.

કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું કહેવું છે કે 'પાર્ટીએ તેમની શક્તિઓનો પૂરતો ઉપયોગ નથી કર્યો', બીજી બાજુ તેઓ પાર્ટી છોડવાની વાતને પણ નકારે છે.

2015માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપ તેના શહેરીગઢ બચાવી રાખવામાં સફળ રહ્યો હતો, પરંતુ ગ્રામ્યવિસ્તારોમાં તે બીજાક્રમે ધકેલાઈ ગયો હતો.

હાર્દિક પટેલ એ આંદોલનનો ચહેરો હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપનું તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું.

આજે કૉંગ્રેસની હાલત કથળેલી છે. યુવા નેતા હાર્દિક પટેલની લોકપ્રિયતા કસોટીની એરણ પર છે અને તેમના રાજકીય ભવિષ્ય ઉપર પણ સવાલ ઊભા થયા છે.

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "હાલ કૉંગ્રેસ પાર્ટી નેતૃત્વના સંકટમાંથી પસાર થઈ રહી છે. કોઈ પણ જગ્યાએ તેની પાસે સબળ નેતૃત્વ નથી."

2015ની સ્થાનિકસ્વરાજની ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પાર્ટી માટે આશાનું કિરણ ઉગ્યું હતું, પરંતુ તેને ટકાવી રાખવામાં પાર્ટી અને તેનું નેતૃત્વ નિષ્ફળ રહ્યાં છે.


કૉંગ્રેસમાં આંતરિક કલહ

https://www.youtube.com/watch?v=naVbCETOTP

મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણીપરિણામ પછી અને જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટણીપરિણામ પહેલાં હાર્દિક પટેલે 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું: 'હું તો માત્ર કાર્યકારી અધ્યક્ષ છું, મારી પાસે મૅન્ડેટ કાઢવાની સત્તા નથી. સ્ક્રિનિંગ કમિટીની એક પણ બેઠકમાં હાજર નહોતો રખાયો એટલે મેં પણ કંઈ ન કહ્યું. એમણે મને કહેવું જોઈતું હતું કે સુરત તથા સૌરાષ્ટ્રમાં તમારી ટીમ સ્ટ્રૉંગ છે. મેં ગુજરાતનાં છ હજાર ગામડાંનો પ્રવાસ ખેડ્યો છે, હું ધરાતલની વાસ્તવિક્તાથી વાકેફ છું.'

પટેલને લાગે છે કે કૉંગ્રેસના જ કેટલાક નેતા તેમને પાડી દેવા માગે છે; તેમની રેલીઓનું આયોજન કરવામાં ન આવ્યું અને તેમણે આપબળે 30 જેટલી રેલીઓ આયોજિત કરી હતી.

કૉંગ્રેસના એક વર્ગનું માનવું છે કે જો હાર્દિક પટેલને કોઈ સમસ્યા હોય, તો તેમણે પાર્ટીના આંતરિક ફૉમ ઉપર આ મુદ્દો ઉઠાવવો જોઈએ અને જાહેરમાં તેની ચર્ચા ન કરવી જોઈએ. ચૂંટણી બાકી હોય ત્યારે આ પ્રકારની સાર્વજનિક ચર્ચાથી પાયાના કાર્યકરનું મનોબળ તૂટે છે.

વરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીના કહેવા પ્રમાણે, "ચૂંટણીપરિણામોને જોતાં કૉંગ્રેસનો માત્ર શહેરીવિસ્તારમાંથી જ નહીં, પરંતુ આદિવાસી અને ગ્રામીણવિસ્તારોમાંથી પણ સફાયો થયો છે. આ સ્થિતિ કૉંગ્રેસ માટે ચિંતા ઉપજાવનારી હોવી જોઈએ. હાર્દિક પટેલના રાજકીય અસ્તિત્વ પર સંકટ તોળાતું જણાય છે."

બે વર્ષ અગાઉ (13 માર્ચ, 2019) પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ અધ્યક્ષ હાર્દિક પટેલ કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પાર્ટીનાં મહાસચીવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં તેઓ પાર્ટીમાં જોડાયા હતા.

જે ઉંમરે કૉંગ્રેસનો કોઈ કાર્યકર પાર્ટીમાં રાજ્યની યુવા કૉંગ્રેસના અધ્યક્ષપદ બનવાનું સપનું જોતો હોય, ત્યારે હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા હતા. જુલાઈ-2020માં જ્યારે આ વાતની જાહેરાત થઈ, ત્યારે તેમને પાર્ટીમાં દોઢ વર્ષ જેટલો સમય પણ નહોતો થયો.


આપ, PAAS અને હાર્દિક

હાર્દિક પટેલ

હાર્દિક પટેલના પ્રભુત્વવાળી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉંગ્રેસને એક પણ બેઠક ન મળી અને નવી આવેલી આમ આદમી પાર્ટીના 27 કૉર્પોરેટર ચૂંટાઈ આવ્યા અને પાર્ટી મુખ્ય વિપક્ષ બની.

પાટીદાર અનામત આંદોલન સમિતિના ધાર્મિક માલવિયાએ કેટલાક નેતાઓ માટે ટિકિટ માગી હતી. માલવિયાને ટિકિટ મળી, પરંતુ અન્યોનાં નામ કપાઈ ગયાં હતાં. જેના કારણે માલવિયાએ પોતે પણ ઉમેદવારી કરી ન હતી.

માલવિયાના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસે 2015માં પાટીદારોના ખભા ઉપર બેસીને પોતાનું કદ વધારવાનો પ્રયાસ કર્યો, બાદમાં તેમને કાપવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પાટીદાર યુવાનોમાં કૉંગ્રેસ સામે રોષ ફાટી નીકળ્યો અને કૉંગ્રેસ આજે આ સ્થિતિમાં આવી ગઈ છે."

પાટીદારોના કૉંગ્રેસવિરોધી વલણને હાર્દિક પટેલની મૂકસંમતિ હોવાની ચર્ચા છે. જોકે, પાસનું કહેવું છે કે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના પરિણામોને હાર્દિક પટેલ સાથે કોઈ લેવાદેવા નથી અને આ સ્થાનિકસ્તરે નેતાઓ લીધેલો નિર્ણય છે.

હાર્દિક પટેલ પોતે આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાતને નકારી ચૂક્યા છે. 'સ્થાનિકસ્વરાજ ચૂંટણી 2.0'માં આપે અસામાન્ય પ્રદર્શન નથી કર્યું અને તે કોઈ મોટો અપસેટ સર્જવામાં સફળ નથી રહ્યો.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈના કહેવા પ્રમાણે, "સુરત કે અન્યત્ર જો ટિકિટવિતરણમાં કોઈ કચાશ રહી જવા પામી હશે, તો તેનું ચોક્કસથી આત્મમંથન કરવામાં આવશે."


લોકપ્રિયતા અને તક?

https://www.youtube.com/watch?v=WXSsIDhywS8

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી તથા અલ્પેશ ઠાકોરના આંદોલનોને કારણે જે રાજકીય જુવાળ ઊભો થયો, તેનો 2015ની સ્થાનિકસ્વરાજની ચૂંટણી તથા 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને લાભ થયો."

"કૉંગ્રેસ તેનો પૂરતો લાભ લઈ ન શકાવી અને આ જુવાળને ટકાવી રાખવામાં નિષ્ફળ રહી."

દેસાઈ માને છે કે પુલવામા હુમલાએ જનમાનસને બદલી નાખ્યું અને મોદી તેને અંકે કરવામાં સફળ રહ્યા. તેઓ ગુજરાતના તાજેતરના ઇતિહાસના આ ત્રણ જનઆંદોલનો તથા તેના વાહકો ઉપર પુસ્તક લખી રહ્યા છે.

કૉંગ્રેસમાં સામેલ થયા તેના અમુક મહિના પહેલાં ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2018માં હાર્દિક પટેલે અનશન કર્યા હતા, પરંતુ તેને ઑગસ્ટ-2015 જેવી સફળતા મળી ન હતી. જેના કારણે તેમની લોકપ્રિયતા ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો હતો.

2019ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર સતત બીજી વખત કૉંગ્રેસ હારી હતી. હાર્દિકની સભાઓમાં ભીડ તો ઉમટી પડે છે, પરંતુ તે કૉંગ્રેસ માટે મતમાં રૂપાંતરિત થાય છે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ છે.

બકીલીના કહેવા પ્રમાણે, "2015ની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે કૉંગ્રેસને જે મત મળ્યા હતા, તે આ વખતે નથી મળ્યા તે ચૂંટણીપરિણામો પરથી સ્પષ્ટ છે."

"હાર્દિક પટેલની એકલાની લોકપ્રિયતા નથી, પરંતુ તે અનામત આંદોલન સમિતિની લોકપ્રિયતા છે. તેઓ એકલા અપેક્ષિત પ્રભાવ ઊભો કરવામાં સફળ નથી રહ્યા."

બકીલી ઉમેરે છેકે આ પરિણામો ભાજપ માટે અને તેમાં પણ મુખ્ય મંત્રી વિજય રુપાણી તથા ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ માટે ચોક્કસપણે ઉત્સાહવર્ધક સાબિત થશે.

ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે ભાજપના કાર્યકરોને સંબોધિત કરતા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ કહ્યું : 'આ પરિણામોથી સ્પષ્ટ થયું છેકે કૉંગ્રેસ સત્તા માટે જ નહીં, વિપક્ષ બનવાને પણ લાયક નથી.'

પરિણામો પૂર્વે હાર્દિક પટેલે કહ્યું હતું કે કોઈ રાજકીય પક્ષ ચૂંટણી લડે એટલે હારજીત તો થતી રહે. પાર્ટી એક પરિવાર છે અને જો તેમાં કોઈ સમસ્યા હશે તો સાથે બેસીને મળીને તેને ઉકેલીશું.

ગુજરાતમાં કૉંગ્રેસની હાલત કથળેલી છે અને દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારમાં પણ સંબંધીઓને જિતાડી શક્યા નથી ત્યારે યુવા નેતા હાર્દિક પટેલ માટે મોટી તક પણ છે એમ નિષ્ણાતો માને છે. અલબત્ત,આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ માનભેર ઊભી રહી શકે એવો દેખાવ કરી શકે અને એ દેખાવમાં હાર્દિક પટેલની અગત્યની ભૂમિકા હોય તો એમની સ્થિતિ બદલાઈ શકે છે. જોકે, તેમ છતાં એમની સામેના અનેક કેસ પણ પડકાર તો છે.


પરિણામની આરસીમાં આંદોલન

2014માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાંથી દિલ્હી ગયા, તે પછી પાર્ટીના ગઢના કાંગરા ખરતા જણાયા હતા.

પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ નવેમ્બર-2015માં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપે તમામ છ મહાનગરપાલિકા ઉપરનો કબજો જાળવી રાખ્યો હતો, પરંતુ તેની અસર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઉપર જોવા નહોતી મળી.

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 1197, કૉંગ્રેસને 673, અપક્ષને 205, બસપાને ચાર તથા અન્યોને એક બેઠક ઉપર વિજય મળ્યો હતો.

જિલ્લા પંચાયતમાં ભાજપને 368, કૉંગ્રેસને 595 તથા અપક્ષને નવ બેઠક ઉપર વિજય મળ્યો હતો. તાલુકા પંચાયતમાં ભાજપને 2019, કૉંગ્રેસને 2,555, અપક્ષને 141, બસપાને બે તથા અન્યોને બે બેઠક ઉપર વિજય મળ્યો હતો.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે તેનું તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન (99 બેઠક) કર્યું હતું.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=UzotdJfcT-A

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
For Hardik Patel, is the local body election a chance or a new disaster?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X