સોમવારે ગડકરી સુરત અને રમણસિંઘ રાજકોટમાં સભા ગજવશે

આ અંગે ભાજપાના પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજા અને મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપાના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે ભાજપાના રાષ્ટ્રીય નેતાઓએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક સ્થાનો પર જાહેરસભાઓને સંબોધીને ભાજપાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ભાજપાના રાષ્ટ્રીય નેતાઓએ પ્રથમ તબક્કાની બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કરી કમળલહેર ઉભી કરવા જનતા જનાર્દનને આહ્વાન કર્યું હતું.
ભાજપાના પ્રવક્તાઓએ 26 નવેમ્બરના રોજ યોજાનાર પ્રચાર અભિયાનની વિગતો આપતા જણાવ્યું હતું કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી સુરતના ઉધના વિસ્તારમાં 6.00 કલાકે અને લિંબાયત વિસ્તારમાં 8.00 કલાકે સભાને સંબોધન કરશે. ભાજપાના છત્તીસગઢ સરકારના મુખ્યમંત્રી ડૉ રમણસિંહ રાજકોટ મહાનગરમાં 6.00 કલાકે રાજકોટ પૂર્વ અને 7.30 કલાકે રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત- વિસ્તારમાં સભાને સંબોધન કરશે.
ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે 4.00 કલાકે, સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા (પાટડી) ખાતે 5.00 કલાકે અને ધ્રાંગધ્રામાં બપોરે 2.00 કલાકે સભાને સંબોધન કરશે.
ભાજપાના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા સ્મૃતિ ઈરાની ભાવનગર જીલ્લાના ગઢડામાં 6.00 કલાકે અને બોટાદમાં 8.00 કલાકે સભાને સંબોધન કરશે. ભાજપાના રાષ્ટ્રીય નેતા ફગ્ગનસિંહ કુલસ્તે નવસારી જીલ્લાના વાંસદા, તાપી જીલ્લાના વ્યારા અને સુરત જીલ્લાના માંગરોળમાં એમ ત્રણ સ્થાનો પર સભાને સંબોધન કરશે.
ભાજપના રાષ્ટ્રીય મંત્રી શ્યામ જાજુ રાજકોટ જીલ્લાના ગોંડલ ખાતે, ઓમપ્રકાશ ધનકડ રાજકોટ જીલ્લાના ધોરાજી, જુનાગઢ જીલ્લાના જુનાગઢ (પલસવા) ખાતે, જુઆલ ઓરમ નર્મદા જીલ્લાના નાંદોદ, ડેડીયાપાડામાં અને હુકમસિંહ નારાયણ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ખાતે સાંજે 4.00 કલાકે અને અમદાવાદ જીલ્લાના સાણંદમાં બપોરે 2.00 કલાકે સભાઓને સંબોધશે.
તેઓએ અંતમાં જણાવ્યું છે કે 26 નવેમ્બરના રોજ ભાજપાના સાંસદ મનસુખભાઈ વસાવા, રાજેન્દ્રસિંહ રાણા, રાજયસભાના સાસંદ શંકરભાઈ વેગડ, કાનજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ માનસિંહ પટેલ, ભાજપાના ઉપાધ્યક્ષ કૌશિકભાઈ પટેલ સહિતના નેતાઓ રાજયના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર સભાઓમાં ઉપસ્થિત રહી સંબોધન કરશે.












Click it and Unblock the Notifications
