ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ પૂર્ણાહુતિ કાર્યક્રમ, CMના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું
Gandhinagar News: ગુજરાતમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા 'વિકાસ સપ્તાહ'ની આજે ગાંધીનગર ખાતે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના નાગરિકોને ₹2885 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપવામાં આવી હતી.

શહેરી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ
CM ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમ દરમિયાન શહેરી વિકાસ, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ અને ગૃહ વિભાગને લગતા મહત્ત્વના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્યો રાજ્યના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં સુવિધાઓ વધારવામાં મદદરૂપ થશે. કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
'આ દિવાળી પહેલાની દિવાળી'
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "આજે ડો. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ છે, તે નિમિત્તે તેમને મારા વંદન છે." નવા વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા તેમણે ખુશી વ્યક્ત કરી કે આજે એક જ દિવસે 1188 મકાનોની ભેટ નાગરિકોને મળવાની છે. તેમણે આ ઉપલબ્ધિને 'દિવાળી પહેલાની દિવાળી' ગણાવી હતી. વધુમાં, CMએ જણાવ્યું કે, 7થી 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરીને જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે. પૂર્ણાહુતિ સમારોહ નિમિત્તે રાજ્યને નવા 10 કોચિંગ સેન્ટરની પણ ભેટ મળી છે.
આ કરોડો રૂપિયાના વિકાસકાર્યો થકી ગુજરાતના નાગરિકોને આધુનિક સુવિધાઓ, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
