For Quick Alerts
For Daily Alerts
ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ જાદુગર કે લાલનું અવસાન
અમદાવાદ, 23 સપ્ટેમ્બર : ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ જાદુગર કે. લાલનું નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. 23 સપ્ટેમ્બર, 2012, રવિવારના રોજ સવારે 6.40 વાગે તેમણે દુનિયામાંથી વિદાય લીધી હતી. છેલ્લાં કેટલાક સમયથી તેઓ કેન્સરની બિમારીથી પીડાતા હતા.
ગુજરાતના રાજકોટ પાસે આવેલા બગસરા ગામમાં જાન્યુઆરી 1924માં જન્મેલા કાંતિલાલ ગિરધરલાલ વોરા જાદુ અને સંમોહન જગતમાં કે લાલના નામે જાણીતા બન્યા હતા. તેમના જીવનની છેલ્લી ઘડી સુધી સક્રિય રહ્યા હતા. આ વર્ષે જૂન મહિનામાં તેમણે અમદાવાદથી દેશભરમાં ગ્રાન્ડ શૉ યોજી પોતાની કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું.
કે. લાલે 61 વર્ષની તેમની કારકિર્દીમાં 22,400 જેટલા મેજિક શૉ યોજીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. કે.લાલના 60 વર્ષીય પુત્ર હસુભાઇ પિતાના માર્ગે આગળ વધ્યા અને તેમની સાથે શૉ કરતા હતા. તેમની ચોથી પેઢી પણ આ ક્ષેત્રમાં આવી છે.