For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોટીલા બેઠક પર સૌથી વધુ ચાર વખત પેટા ચૂંટણીઓ થઇ

By Bhumishi
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 28 નવેમ્બર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો ઇતિહાસ જેટલો રોચક છે એટલો જ, વિધાનસભાની પેટા ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ છે. સામાન્ય ચૂંટણી બાદ વિધાયકોના રાજીનામા, અવસાન કે અન્ય કોઇ કારણથી ખાલી પડતી બેઠક પર યોજાતી પેટા ચૂંટણી પણ મતદારો અને ઉમેદવારો માટે આટલી જ મહત્વની હોય છે. ગુજરાત રાજ્યની વર્ષ 1960માં સ્થાપના થઇ એ પૂર્વે દ્વિભાષી રાજ્ય મુંબઇ અને સૌરાષ્‍ટ્ર રાજ્યમાં રહેલા પ્રદેશો અને પ્રાંતોમાં 6 વર્ષો દરમિયાન પેટા ચૂંટણીઓ યોજાઇ હતી. અર્થાત, 1952થી 1960ના સમયગાળા દરમિયાન છ વાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઇ હતી.

gujarat-vote

ગુજરાતની ચૂંટણીઓની વાત કરીએ તો પેટા ચૂંટણી યોજાવાની બાબતમાં ચોટીલા બેઠક સૌથી આગળ છે. ચોટીલા બેઠક પર અત્યાર સુધીમાં ચાર વાર પેટા ચૂંટણીઓ યોજાઇ ચૂકી છે.

ચૂંટણી પંચ પાસે જે વિગતો ઉપલબ્ધ છે એ મુજબ જોઇએ તો 1952ના વર્ષમાં મુંબઇ રાજ્યમાં સમાવિષ્‍ટ અમદાવાદ સિટીની બેઠક પરથી સોમનાથ પ્રભાશંકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. એ જ વર્ષમાં બોરસદ-2, હિંમતનગર અને અમદાવાદ સિટીની બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી.

વર્ષ 1952માં સૌરાષ્‍ટ્ર રાજ્યમાં રહેલા સાયલા, ચોટીલા, જામનગર સિટી, જામનગર, મોરબી-માળિયા તથા તળાજા-દાઠા બેઠક પર બે વખત પેટા ચૂંટણી યોજાઇ હતી. તળાજા-દાઠા બેઠક પરની પ્રથમ પેટા ચૂંટણીમાં લાલુભાઇ મણિયાર બિનહરિફ ચૂંટાઇ આવ્યા હતા.

1952ની સૌરાષ્‍ટ્ર રાજ્યની ચૂંટણીમાં આ બેઠક પર લાલુભાઇ મણિયાર બિનહરિફ વિજેતા બન્યા હતા. ઉપલબ્ધ આંકડાઓ જોતા એવું કહી શકાય કે લાલુભાઇ મણિયાર ધારાસભા માટે ગુજરાતના પ્રથમ બિનહરિફ વિધાયક બન્યા હતા. જો કે, એ સૌરાષ્‍ટ્ર સરકારમાં પ્રતિનિધિત્વ કરતા હતા. સૌરાષ્‍ટ્ર સરકારમાં એ બાદ 1956માં ઉપલેટા અને ધ્રાંગધ્રા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મુંબઇ રાજ્યની બેઠક લાઠી પર 1957 અને ભિલોડા 1958માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જ્યારે, તળાજા બેઠક પર ફરી 1960માં પેટા ચૂંટણી આવી હતી.

ગુજરાત રાજ્યની રચના બાદ વર્ષ 1962માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઇ. એ બાદ પ્રથમ વખત 1964માં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ચીખલી અને અમરેલી બેઠક માટે યોજાઇ હતી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના રાજીનામા બાદ ખાલી પડેલી અમરેલી બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. એ બાદ 1970માં તત્કાલીન વિરોધપક્ષના નેતા ભાઇલાલભાઇ પટેલના અવસાનથી ખાલી પડેલી સારસા બેઠક પર આ પ્રકારે ચૂંટણી થવા પામી હતી.

1975ની સામાન્ય ચૂંટણીમાં એક મહત્વ પૂર્ણ બનાવ બન્યો. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડતા ગોવિંદભાઇ હરિભાઇ પટેલ નામના ઉમેદવારનું ચૂંટણી દરમિયાન જ મૃત્યું થયું હતું. એટલે, નિયમોનુસાર એ બેઠક પર ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. બાદમાં ફરી ચૂંટણી યોજવામાં આવી હતી.

1978માં ખેડબ્રહ્મા, 1980માં રાજુલા, ઘોઘા, બરોડા, રાવપુરા, 1981માં કાલાવડ, નરોડા, મહેસાણા, 1982માં લીમડી, જોડિયા, પાટડી અને 1984માં જેતપુરમાં તત્કાલીન ધારાસભ્ય વેકરિયા જમનાદાસ શામજીભાઇના અવસાનથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી.

1985માં સયાજીગંજ, 1987માં મોડાસા, 1988માં પાબારી જમનાદાસ ગોકુલદાસના અવસાનથી ખાલી પડેલી દ્વારકા અને ભરતભાઇ નારાયણભાઇના મૃત્યુથી ખાલી પડેલી માળિયા(હા), 1991માં જામનગર, અમરેલી, ગોધરા, બોરસદ અને વાગરામાં બાય ઇલેકશન થયું હતું. 1997માં સરખેજ, 1998માં ભરૂચ, 1999માં જેતપુર અને જોડિયા, 2000માં ચોટીલા, ભાદરણ અને શહેર કોટડા, 2001માં સાબરમતી, 2002માં મહુવા(એસટી) અને રાજકોટ-2 તથા સયાજીગંજ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.

એ જ રીતે વર્ષ 2003માં સોનગઢ અને જમાલપુર, 2004માં ભાણવડ, ખેડબ્રહ્મા, બોરસદ, વ્યારા અને ધરમપુર, 2009માં ચોટીલા, જસદણ, ધોરાજી, કોડીનાર, દહેગામ, સમી અને દાંતા, 2010માં ચોટીલા અને કઠલાલ, 2011માં ખાડિયા તથા 2012માં માણસા બેઠક પર ચૂંટણી યોજાઇ હોવાનું ચૂંટણી વિભાગ પાસે ઉપલબ્ધ વિગતો પરથી જ્ઞાત થાય છે.

સૌથી વધુ વાર ચોટીલા બેઠક પર વર્ષ 1952, 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઇ છે. ગુજરાત રાજ્યના પ્રથમ વખત 1980ની સામાન્ય ચૂંટણી કુતિયાણા બેઠક પરથી મહંતશ્રી વિજયદાસજી બિનહરિફ ચૂંટાઇ આવ્યા હતા. સૌરાષ્‍ટ્રની સામાન્ય ચૂંટણી-1952 અને પેટા ચૂંટણી-1952 એ બે વખત તળાજા-દાઠા બેઠક પર ઉમેદવાર બિનહરિફ વિજેતા બન્યા હતા, એ પણ એક વિક્રમ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઇતિહાસ જોઇએ તો વિધાનસભા ખંડિત રહી છે. કોઇ પણ ધારાસભ્યની માંદગીના કારણે મૃત્યુ અથવા અન્ય કોઇ કારણથી 182 બેઠકોમાંથી ઓછામાં ઓછી એક બેઠક ખાલી રહે છે. જેના કારણે ચૂંટણી પંચે પેટા ચૂંટણી યોજવાની જરૂર પડે છે. ગુજરાત વિધાનસભા સાથે સંકળાયેલી આ માન્યતા રાજ્યની સ્થાપનાથી અત્યાર સુધી ચાલી આવી છે.

English summary
Gujarat Election History : Chotila constituency tops in highest sub election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X