
બેઠેલા અવાજે પણ PM મોદીએ સાણંદ અને કાલોલમાં શું કહ્યું જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપ દ્વારા મતદાતાઓને પોતાની તરફ ખેંચવા માટે ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી હાલ બનાસકાંઠા, ગાંધીનગર અને પંચમહાલ વિસ્તારમાં એક પછી એક જનસભાઓ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની ઠંડીના કારણે અને એક પછી એક ભાષણોના લીધે કરીને પીએમ મોદીનો અવાજ પણ બેસી ગયો છે. ભાષણમાં વચ્ચે વચ્ચે મોદીને ખરખરો પણ કરવો પડે છે. તેમ છતાં પીએમ મોદી કોંગ્રેસ પર પ્રહાર કરવાની એક તક જવા નથી દેતા. સાણંદ અને કાલોલમાં પીએમ મોદીએ કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યર અને પાકિસ્તાની સેનાના વડાની બેઠક મામલે ટિપ્પણી કરી હતી. નોંધનીય છે કે રવિવાર સવારથી જ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ઐય્યરની પાકિસ્તાની વડા સાથે મુલાકાત અને અહેમદ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બનાવાય તેવી પાકિસ્તાની સેનાપતિને ઇચ્છા હોવાનો આક્ષેપ કોંગ્રેસ પર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી તેમની આ બે જનસભામાં શું કહ્યું તે જાણો અહીં...

સાણંદ
સાણંદ ખાતેની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ વિષે બોલતા કહ્યું કે અહીંયાં જમીનની કોઈ કિંમત નહોતી, કશું ઉગતું નહોતું અને આજે આ વિસ્તારના ખેડૂતોના ઘરમાં ચાર બંગડીવાળી ચાર-ચાર ગાડીઓ. સાથે કોંગ્રેસ અને રાહુલ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે "સાણંદ વિશે બોલીને રાહુલબાબા એમની આબરુ તો ખરાબ કરે જ છે સાથે-સાથે આ દેશની આબરુ પણ ખરાબ કરે છે." તેમણે કહ્યું કે જેમણે ભ્રષ્ટચારને જ આ દેશમાં શિષ્ટાચાર બનાવી દીધો એવા લોકો આ દેશનું ક્યારેય ભલું ના કરી શકે.

સાણંદમાં કોંગ્રેસ પર વાર
વધુમાં સાણંદમાં કોંગ્રેસ અંગે બોલતા મોદીએ કહ્યું કે કોંગ્રેસવાળાઓએ તો કાળો કેર વર્તાવી નાંખ્યો છે, જાતિવાદના ઝઘડા કરાવી કરાવીને આ અમારા ગુજરાતના ઊભા ફાડીયા કરી નાંખ્યા હતા. વિકાસના કામ પર બોલતા મોદીએ કહ્યું કે પહેલાં પશુને પાણી પાસે જવું પડતું હતું અને આજે પાણી પશુ પાસે જાય છે. તેમણે કહ્યું કે આ ખુરશીઓ તો આવે ને જાય, આ ખુરશી માટે મોદી પેદા નથી થયા, મોદી તો આ હિન્દુસ્તાનની ખુશી માટે પેદા થયા છે.

કાલોલ
કાલોલ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરી રહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એના પાપે ખતમ થઈ છે એમને ખબર જ નથી પડતી કે દેશનો મિજાજ બદલાઈ ગયો છે, દેશના જવાનીયાઓનો મિજાજ બદલાઈ ગયો છે. ગુજરાતને 24 કલાક વીજળી મળતી થઈ ત્યારે પાવાગઢમાં એનું ઉદ્ઘાટન તે સમયના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કર્યું હતું અને દુનિયા આખીને એનું આશ્ચર્ય થયું હતું.

કોંગ્રેસ પર આરોપ
આ પ્રસંગે પીએમ મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે શાંતિ, એકતા અને સદભાવનાના મંત્ર સાથે ભાજપની સરકારે ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. કોંગ્રેસવાળા તમે જેટલી મોદીની મજાક ઉડાવશો એટલો જ આ દેશ મોદીને ખભે ઊંચકીને ચાલવાનો છે એ તમે લખી રાખજો, તમે જેટલો કીચડ ઉછાડશો એટલા જ કમળ વધારે ખિલવાના છે એ તમે લખી રાખજો. સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને કારણે કોંગ્રેસ હારી છે એવું 18 મી તારીખે કોઈ નહીં બોલે.