Gujarat Assembly Election: કેજરીવાલની AAPને ભાજપ-કોંગ્રેસ પડકાર નથી માનતી
આમ આદમી પાર્ટી ભલે ગુજરાતમાં ચૂંટણી જીતતી હાવોનો દાવો કરતી હોય પરંતુ ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને પડકાર બિલકુલ નથી માનતી અને દર વખતેની જેમ આ વખતે પણ ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો હોવાનું માની રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર દેશભરના અન્ય રાજ્યોની નજર પણ છે, જેનાં પરિણામ 2024ની લોકસભા ચૂંટણી પર પણ મહત્વની અસર પાડશે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે અને બહુમતીથી સરકાર બનાવતી હોવાનો અરવિંદ કેજરીવાલે દાવો પણ કર્યો છે, પરંતુ ગુજરાતમાં ત્રીજો મોર્ચો ક્યારેય ચાલ્યો નથી અને આ વખતે પણ ભાજપ કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને પડકાર માનતી જ નથી.

ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જોરદાર પ્રચાર છતાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ત્રિકોણીય લડાઈ સ્વીકારી રહી નથી. બંને પક્ષો આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે નકારી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે રાજ્યમાં લડાઈ હંમેશા દ્વિપક્ષીય રહી છે. આ વખતે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો છે. તો બીજી તરફ AAPનું કહેવું છે કે આ વખતે ચૂંટણી AAP અને BJP વચ્ચે જ છે કારણ કે કોંગ્રેસને માત્ર પાંચ સીટો મળશે.
ભાજપ અને AAPનું સમીકરણ
AAPને સતત નકારવા માટે ભાજપની દલીલ એવી રહી છે કે ગુજરાતની ચૂંટણી હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહી છે. ભાજપને ડર છે કે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી માત્ર કોંગ્રેસ માટે જ નહીં પરંતુ ભાજપ માટે પણ વોટ કાપનાર સાબિત થઈ શકે છે. ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ કરતા પહેલાથી જ નબળી છે. આવી સ્થિતિમાં, જો ભાજપ શહેરી વિસ્તારોમાં તેના મત ગુમાવે છે, તો તે રાજ્યમાં વર્ષો સુધી તેની સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ થઈ શકે છે.
આ સિવાય આમ આદમી પાર્ટી હિન્દુ મતદારોને ભાજપથી દૂર રાખવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. થોડા દિવસો પહેલાં જ અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટમાં લક્ષ્મી-ગણેશની તસવીર રાખવાનું સૂચન કરી હિન્દુ કાર્ડ રમી ચૂક્યા છે. આ તમામ કારણોસર ભાજપ વારંવાર AAPને નકારી રહ્યું છે.
કોંગ્રેસ અને AAPનું સમીકરણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું માનવું છે કે રાજ્યમાં ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર આવી ચૂકી છે જેને કારણે તેવા મતનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. જો કે આમ આદમી પાર્ટી આવવાથી કોંગ્રેસ માટે આવા વોટ મેળવવામાં પડકાર ઉભો થશે. ઉત્તરાખંડ અને ગોવામાં ભલે આમ આદમી પાર્ટી જીતી ના શકી પરંતુ તેણે કોંગ્રેસના નોંધનીય વોટ કાપ્યા હતા. ઉત્તરાખંડમાં ભાજપને 70માંથી 47 સીટ હાંસલ થઈ હતી. જ્યારે કોંગ્રેસને 19 સીટ પર જીત મળી હતી. કોંગ્રેસનું માનવું છે કે આમ આદમી પાર્ટી અને બસપાએ કોંગ્રેસની જીતની સંભાવનાઓમાં સમસ્યા ઉત્પન્ન કરી હતી.
બસપાએ 2 સીટ સાથે 4.82 ટકા વોટ હાંસલ કર્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીે 0 સીટ સાથે 3.31 ટકા વોટ હાંસલ કર્યા હતા. બસપા અને આમ આદમી પાર્ટીએ મળીને કુલ 8.13 ટકા વોટ હાંસલ કર્યા હતા. માટે પાર્ટીનું માનવું છે કે આ વોટ વહેંચાયા ના હોત તો ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર બનતી હતી. ગુજરાતમાં કોંગ્રેસ હરિયાણા અને ઉત્તરાખંડનો ઈતિહાસ પૂનરાવર્તિત કરવા નથી માંગતી તેથી આમ આદમી પાર્ટીના વિરોધમાં છે. માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. હાલ બંને પાર્ટીઓને આશંકા છે કે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વોટ કાપનાર સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
