ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે વિધાનસભામાંથી બરતરફ

આજે પ્રશ્નોત્તરીકાળ શરૂ થયો કે તરત જ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની તંગીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે ચર્ચા કરવા માટે પ્રશ્નોત્તરીનો કલાક રદ કરવાની માગણી કરી હતી.
તેમ છતાં સ્પીકરે ઈનકાર કર્યો હતો અને ચર્ચાનો પ્રસ્તાવ યોગ્ય રીતે રજૂ કરવા કહ્યું હતું. સ્પીકરના રૂલિંગથી નારાજ થઈને કોંગ્રેસના સભ્યોએ નારા લગાવ્યા હતા અને પાટલીઓ પર હાથ પછાડ્યા હતા. એમાંના 14 ધારાસભ્યો સ્પીકરના મંચ સુધી ધસી ગયા હતા અને ત્યાં બેસી ગયા હતા.
સ્પીકરે ત્યારબાદ દેખાવ કરનારા તમામને દિવસ પૂરતા સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો અને માર્શલ્સને કહ્યું હતું કે આ બધાયને ગૃહમાંથી બહાર કાઢો. પ્રશ્નોત્તરી કલાકનો સમય પૂરો થાય એની માત્ર બે મિનિટ પહેલા કોંગ્રેસના બાકીના 40 જેટલા સભ્યો પણ સ્પીકરની બેઠક સુધી ધસી ગયા હતા.
સ્પીકરે એની સામે જોરદાર વાંધો ઉઠાવીને એ બધાયને પણ દિવસ પૂરતા ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા અને માર્શલ્સને કહ્યું હતું કે આ બધાયને આદરપૂર્વક ગૃહમાંથી બહાર લઈ જવામાં આવે. વિપક્ષી નેતા વાઘેલાએ બાદમાં ગૃહની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે પીવાના પાણીની સમસ્યા પ્રત્યે જરાય સંવેદનશીલતા બતાવી નથી.












Click it and Unblock the Notifications
