ગુજરાતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ડૂબી જવાથી 25થી વધુ લોકોના મોત
ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ડૂબી જવાની ઘટનાઓએ ભારે શોકનું મોજું ફેરવી દીધું છે.
નદી અને કેનાલોમાં નાહવા પડેલા અનેક યુવાનોના કરુણ મોત નીપજતા અનેક પરિવારોમાં તહેવારના દિવસે જ માતમ છવાઈ ગયો છે.

નર્મદા જિલ્લામાં સિસોદરા અને ઓરી વચ્ચે આવેલી નર્મદા નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. મળતી માહિતી મુજબ, કાયાવરોણના ત્રણ યુવાનો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરિંગના કામ માટે આવ્યા હતા.
બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા તેઓ ઓરીના કોટેશ્વર મહાદેવ મંદિર નજીક નદીમાં નાહવા પડ્યા હતા. એક મિત્રને ડૂબતો બચાવવા જતાં અન્ય બે મિત્રો પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રાજપીપળા ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના થઈ હતી.
કચ્છના આદિપુરમાં પણ ધૂળેટીનો તહેવાર કરુણ સાબિત થયો છે. આદિપુરમાં શિણાય અને શનિ મંદિર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે.
આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આદિપુર-અંજાર પોલીસ અને GDMCની ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને છેલ્લા બે કલાકથી વધુ સમયથી કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં, તહેવારના જોશમાં અજાણ્યા જળાશયોમાં ઉતરવું જીવલેણ સાબિત થઈ રહ્યું છે. હાલ રાજ્યભરમાં ફાયર અને પોલીસ વિભાગ એલર્ટ મોડ પર છે.












Click it and Unblock the Notifications
