BJP MLAની ઓડિયો ક્લિપ વાયરલ, સ્વીકારી ભ્રષ્ટાચારની વાત
વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલાં ભાજપના ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઇ રહી છે.
વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલાં ભાજપના ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઇ રહી છે. આ કથિત ઓડિયો ક્લિપમાં ભાજપના વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ ટેલિફોનિક વાતચીતમાં ભ્રષ્ટાચારની વાત કબૂલતા સાંભળવા મળે છે. તેઓ કહી રહ્યાં છે કે, તેઓ પોતે અને તેમનો પક્ષ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે. જો કે, કિશોર ચૌહાણે આ પ્રકારની કોઇ પણ વાતચીત તેમણે કરી હોવાની વાત નકારી રહ્યાં છે. આ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મારી છબી બગાડવા માટે આ કોંગ્રેસનું ષડયંત્ર છે. આ પ્રકારની કોઇ ઓડિયો ક્લિપ અંગે મને જાણકારી નથી. ગુજરાતીમાં વાયરલ થઇ રહેલ આ કથિત ઓડિયો ક્લિપમાં કિશોર ચૌહાણે સ્વીકાર્યું છે કે, તેઓ વેજલપુરના ધારાસભ્ય છે.

તેમને ફોન પર સેટેલાઇટ વિસ્તારના ખરાબ રસ્તાઓ અંગે સવાલ કરવામાં આવતા તેઓ આ માટે ભારે વરસાદને જવાબદાર ઠેરવતાં કહી રહ્યાં છે કે, આ અંગે ટૂંક સમયમાં જ પગલાં લેવામાં આવશે. ત્યાર બાદ સામેનો વ્યક્તિ કિશોર ચૌહાણને ભ્રષ્ટાચાર અંગે સવાલ કરે છે, જેના જવાબમાં તેઓ કહે છે, બરાબર. સામેનો વ્યક્તિ આગળ કહે છે કે, ભ્રષ્ટાચારને કારણે પક્ષ અને પીએમ મોદીની બદનામી થાય છે. જેનો જવાબ વાળતાં કિશોર ચૌહાણ કહે છે કે, તમારી વાત બરાબર છે, પ્રયાસ ચાલુ છે. રોડ અંગે વધુ ફરિયાદ થતાં કિશોર ચૌહાણે સામે સવાલ કર્યો હતો કે, તમે છેલ્લા 5 વર્ષમાં કેમ ક્યારેય મારી સાથે વાત ન કરી. સાથે જ તેમણે ભ્રષ્ટાચાર મામલે એ વ્યક્તિને કોર્ટમાં જવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, સેટેલાઇટના રોડ એટલા પણ ખરાબ નથી. વાત પૂર્ણ કરતાં એ અજાણ્યા વ્યક્તિએ કિશોર ચૌહાણને એમ પણ કહ્યું હતું કે, અમે માત્ર મોદીને કારણે ભાજપને મત આપ્યો છે, તમારી કોઇ વેલ્યુ નથી.












Click it and Unblock the Notifications
