'કપિલ સિબ્બલે SCમાં કરી હતી દલીલ, 50%થી વધુ અનામત ન મળે'

Written By:
Subscribe to Oneindia News

બુધવારે હાર્દિક પટેલે કોંગ્રેસની પાટીદાર અનામતની ફોર્મ્યૂલા સ્વીકાર્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર શુક્રવારે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. અહીં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાટીદાર અનામત મામલે કોંગ્રેસને કાયદાકીય સલાહ પૂરી પાડનાર કપિલ સિબ્બલ પર આકરા પ્રહારો કર્યા હતા અને પાટીદાર સમાજને છેતરવા બદલ, ગેરમાર્ગે દોરવા બદલ તેઓ માફી માંગે એવી પણ માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'કપિલ સિબ્બલ પોતે વર્ષ 1998માં સ્વીકારી ચૂક્યા છે કે 50 ટકાથી વધુ અનામત ન અપાય. તેઓ પોતે અગાઉ આવા ચૂકાદા સુપ્રીમ કોર્ટમાં આપી ચૂક્યા છે. આ સાથે જ બે મોઢે વાત કરતી કોંગ્રેસ ખુલ્લી પડી છે અને તેમણે માત્ર અને માત્ર ચૂંટણીમાં લાભ લેવા માટે પાટીદાર સમાજ તથા પાસને છેતર્યા છે, ખોટી લાલચ આપી છે એ વાત સાબિત થાય છે.'

nitin patel

તેમણે આગળ કહ્યું કે, 'કોંગ્રેસની આ છેતરપિંડી ખુલ્લી પાડવા માટે જ મેં મારા વકીલમિત્રોની મદદ લીધી અને કાયદાકીય આધાર સાથે કોંગ્રેસની આ છેતરામણી લાલચ પરથી પડદો ઉંચકી રહ્યો છું. કપિલ સિબ્બલે ગુજરાતમાં એવી ફોર્મ્યૂલા રજૂ કરી છે કે, 50 ટકા કરતા વધુ અનામત આપી શકાય. હાર્દિકને પણ તેમણે એવો સમજાવ્યો અને ભણાવ્યો કે, પત્રકાર પરિષદમાં બધી બંધારણની કલમો બોલી ગયો. એવું પણ બોલી ગયો કે, સુપ્રીમ કોર્ટના ત્રણ જજમેન્ટ છે, આદેશ નથી. બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે, 50 ટકા અનામત કરતા વધુ અનામત ન મળે. આવી વાતો કરીને અનામત મળશે, એમ કહી પાટીદારોને ગેરમાર્ગે દોર્યા.'

વર્ષ 1998માં કપિલ સિબ્બલે કરેલ દલીલ

'મારી વિગતો અનુસાર, વર્ષ 1998માં સુપ્રીમ કોર્ટ સામે અરજદારોના વકીલ તરીકે કપિલ સિબ્બલ હતા. તેમણે કોર્ટમાં જે દલીલો કરી, તેમાં તેમણે મુખ્ય દલીલમાં કહ્યું હતું કે, અગાઉ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યા છે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા 1963માં એક સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હતો કે, કોઇ પણ સંજોગોમાં 50 ટકા કરતા વધુ અનામત થવી ના જોઇએ. પ્રસિદ્ધ ઇન્દિરા સહાની કેસના જજમેન્ટમાં પણ સ્પષ્ટ છે કે, 50 ટકા કરતા વધુ અનામત કોઇપણ સંજોગોમાં કોઇ પણ રીતે કોઇ પણ રાજમાં આપી ન શકાય. કપિલ સિબ્બલે આ બંને જજમેન્ટનો ઉલ્લેખ કરતાં પોતાના અરજદાર માટે લાગુ કરવાની દલીલ કરી હતી અને તેમણે આ અરજી લેખિતમાં પણ કરી હતી.'

પાસ અને કોંગ્રેસની બનાવટ

'આ દલીલોને આધારે કપિલ સિબ્બલે કેસ જીત્યો હતો અને એ જ કપિલ સિબ્બલે પાટીદારો અને પાસને ગેરમાર્ગે દોરી, 50 ટકાથી વધુ અનામત મળી શકે એવી પોકળ વાત કહી હતી. જે પાસના લોકોએ સ્વીકારી. આજે આ જજમેન્ટની કોપીથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસે પાસને આપેલ આ દરખાસ્ત બનાવટી હતી. ચૂંટણીમાં પાટીદારોના મત મેળવવા માટે આ બનાવટ કરી અને પાસના લોકોએ કોઇની સલાહ લીધા વગર આ દરખાસ્ત સ્વીકારી. પાસને પણ કદાચ ખબર હશે કે, તેમની બનાવટ થઇ રહી છે. પરંતુ એમની પાસે છેતરાવા સિવાય કોઇ ઉપાય નહોતો. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ, પાસ, કપિલ સિબ્બલ, શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓએ પાટીદારોને છેતરવાનો પ્રયત્ન કર્યો છે. પાસના કાર્યકરોને અપીલ કરું છું, કોંગ્રેસને ચેતવણી આપું છું કે તેઓ પાટીદારોને છેતરવાનું આ કામ બંધ કરે. કપિલ સિબ્બલ સમાજની માફી માંગે, કોંગ્રેસ અનામતની દરખાસ્ત પાછી ખેંચે. પાસને અપીલ કે, કોંગ્રેસની બનાવટી દરખાસ્ત ફગાવે અને જૂઠ્ઠાણાંમાંથી બહાર આવે.'

English summary
Gujarat Election 2017: De. CM Nitin Patel attacked Congress leader Kapil Sibal over patidar quota in PC on Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.