અનામત મુદ્દે કોંગ્રેસના વિકલ્પો,કથિત વીડિયો અંગે હાર્દિકે શું કહ્યું?
પાસના કોર કમિટિ સભ્યો સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું.
સોમવારે હાર્દિક પટેલ અને પાસ કોર કમિટીના સભ્યોની એક ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે કોંગ્રેસ દ્વારા પાટીદાર અનામત અંગે આપવામાં આવેલ વિકલ્પો અંગે ચર્ચા કરી હતી. આ પછી હાર્દિક પટેલે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદમાં હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા અનામત માટે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. આ વિકલ્પો અંગે મેં વિગતવાર માહિતી મેળવી છે. બંધારણીય રીતે, સુપ્રીમ કોર્ટની પરવાનગીથી કઇ રીતે અનામત મળી શકે એ આખી પ્રોસેસ પણ મેં સમજી છે. અમે હવે આ વાત અમારી સંસ્થા સામે અને સમાજના મોભીઓ સામે મુકીશું અને પછી આગળનો નિર્ણય લઇશું.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં થશે સમાવેશ
હાર્દિક પટેલે આગળ કહ્યું કે, કાલ સાંજ સુધીમાં આ અંગે સ્પષ્ટતા કરીને અમે અમારી માંગણી કોંગ્રેસને જણાવીશું. તેઓ આ મુદ્દો પોતાના મેનિફેસ્ટોમાં ઉમેરવા માંગે છે. હું અહીં ફરી એકવાર સ્પષ્ટતા કરવા માંગુ છું કે, ના તો કોંગ્રેસ પક્ષ અમારો મિત્ર છે કે ના તો ભાજપ અમારું દુશ્મન. પરંતુ આંદોલન શરૂ થયા પછી ભાજપે પાટીદારો પર અત્યાચાર કર્યા છે અને એની સામે કોંગ્રેસે અમારી વાત સાંભળી, અમારી માંગણી પૂરી કરવાની ખાતરી આપી છે.
કોંગ્રેસમાં જોડાવા અંગે...
હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવા મામલે કહ્યું હતું કે, હું ફરી એકવાર કહું છું કે, મારી લડાઇ અનામત માટે છે અને આગલા ત્રણ વર્ષ સુધી હું કોઇ પક્ષમાં જોડાવાનો નથી. સત્તાધારી પક્ષ કે વિપક્ષ જે અમારા હકો આપવા તૈયાર હોય એનો અમે સ્વીકાર કરીએ છીએ અને ન આપી એમની સામે અમારી લડાઇ ચાલુ રહેશે. આમાં વ્યક્તિગત સમર્થનની વાત આવતી નથી.
ભાજપે વર્ગ વિગ્રહના કર્યા પ્રયાસો
હાર્દિકે આગળ કહ્યું કે, મેં ભારતના બંધારણોના જાણકાર સાથે વાતો કરી છે અને જાતે પણ બંધારણને લગતા અમુક પુસ્તકો વાંચી જરૂરી માહિતી મેળવી છે. ક્યાંય એવો ઉલ્લેખ નથી કે બંધારણીય રીતે 50 ટકાથી વધુ અનામત ન મળી શકે. અનામત ચોક્કસ મળી શકે છે. ભાજપે અનામતની માંગણી સામે જે વિકલ્પો આપ્યા હતા, એમાં તેમણે માત્ર સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી જ અમે કોંગ્રેસની ફોર્મ્યૂલા સાંભળી, સમજી છે અને હવે સમાજ અને સંસ્થાના મોભીઓ સાથે વાત કરીને આગળ શું આયોજન હોવું જોઇએ એ નક્કી કરીશું. બાકી આવનારા દિવસોમાં અનામત માટેની, સમાજના ભલા માટેની લડાઇ તો ચાલુ જ રહેશે.
વાયરલ વીડિયો અંગે...
સોમવારે બપોરે હાર્દિક પટેલની એક કથિત વીડિયો ક્લિપ વાયરલ થઇ હતી, જેમાં તે યુવતી સાથે આપત્તિજનક પરિસ્થિતિમાં જોવા મળે છે. આ કથિત વીડિયો અંગે જવાબ આપતા હાર્દિકે કહ્યું હતું કે, આ સીડી નકલી, મોર્ફ કરેલી સીડી છે. ચૂંટણી નજીક આવતા આ ગંદુ રાજકારણ શરૂ થયું છે. મેં કશુ ખોટું કર્યું નથી અને જનતા પણ આ વાત સમજે છે. વીડિયો વાયરલ થતાવેંત હું પોતે અદાલત ગયો હતો અને ત્યાં પણ ભીડ જમા હતી, જે દર્શાવે છે કે લોકોને મારામાં વિશ્વાસ છે. આ હલકા પ્રકારના રાજકારણનો છેલ્લો છેડો આવી ગયો છે, આવનારા સમયમાં મારી હજુ ખરાબ સીડી બહાર આવે એવું પણ બને.
અમિત શાહ પર મુક્યો સીડીનો આરોપ
હાર્દિક પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે, એમના અનુસાર તેમનો આવો વીડિયો કોણ બનાવી શકે? તો તેમણે તુરંત કહ્યું હતું કે, ભારતમાં અમિત શાહથી મોટો ખેલાડી કોણ છે? ચૂંટણી નજીક આવતા તેમણે મને બદનામ કરવા માટે આ બધુ શરૂ કર્યું છે. સ્પષ્ટ વાત છે કે, જેના દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો એણે ભાજપ સાથે જ હાથ મિલાવ્યા છે. હોસ્પિટલમાંથી પકડાયેલા આતંકવાદીઓ અંગે જ્યારે અહમદ પટેલ પર આરોપ મુકવામાં આવ્યો ત્યારે ખરેખર તો મારા વિશે આ વાત બહાર પાડવાના હતા, પરંતુ તેમને લાગ્યું કે દાવ ઊંધો પડશે આથી માંડી વાળ્યું. હવે પણ જ્યારે વીડિયો વાયરલ કર્યો છે ત્યારે દાવ ઊંધો જ પડ્યો છે. મને તો મારા પર ગર્વ થાય છે કે, હાર્દિક એટલો મોટો થઇ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી મને બદનામ કરવામાં પૈસા વેડફી રહી છે. પરંતુ આમ કરીને તેઓ ગુજરાતની મહિલાઓનું અપમાન કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
