રાજકોટ જિલ્લા સહકારી બેન્ક 2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપશે
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસા અને કમોસમી વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં હેક્ટર દીઠ 22,000ની સહાયની જોગવાઈ છે, જે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રહેશે.
આ સંજોગોમાં, રાજકોટ જિલ્લા સહકારી બેન્કે ખેડૂતો માટે ખાસ કૃષિલોન યોજનાની જાહેરાત કરી છે. બેન્ક દ્વારા ખેડૂતોને 0% વ્યાજ દરે કૃષિલોન આપવાનો નિર્ણય લેવાયો છે, જેથી તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂત સભાસદોને રાહત મળી શકે.

આ યોજના અંતર્ગત, રાજકોટ અને મોરબી જિલ્લાના આશરે 2,25,000 ખેડૂત સભાસદોને મંડળીઓ મારફત ધિરાણ પૂરું પાડવામાં આવશે. બેન્કે 1,300 કરોડની જોગવાઈ કરી છે, જે અંતર્ગત હેક્ટર દીઠ 12,500 અને વધુમાં વધુ 65,000ની લોન 0% વ્યાજ દરે એક વર્ષની મુદત માટે અપાશે.
બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને 0% વ્યાજ દરે લોન આપવાથી બેન્કને અંદાજે 100 કરોડનો ખર્ચ થશે, જે બેન્ક ખેડૂતો વતી ભોગવશે.
રાદડિયાએ વધુમાં ઉમેર્યું કે, રાજકોટ બેન્ક હંમેશા ખેડૂતોની પડખે રહી છે. આ વખતે ચોમાસામાં થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખીને 2.25 લાખ સભાસદ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે આ ખાસ લોન આપવાની જાહેરાત કરાઈ છે.
આ યોજના હેઠળ, ખેડૂતોને હેક્ટર દીઠ 12,500 સુધી અને મહત્તમ 65,000ની લોન મળશે. રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ ખેડૂતોને આનો લાભ મળશે. આ લોન કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને રવિ પાકના વાવેતર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
લોન મેળવવા માટે ખેડૂતો પાસેથી કોઈ વધારાના કાગળો લેવામાં આવશે નહીં; જેમ સામાન્ય ધિરાણ મેળવાય છે તે જ રીતે મંડળીમાં જરૂરી કાગળો આપીને લોન મેળવી શકાશે.












Click it and Unblock the Notifications
