સરકારે પાણી પહેલાં પાળ બાંધીઃ જળ સંચય અભિયાનમાં દેખરેખ માટે 8 ટીમોની રચના
રાજ્યમાં શરૂ કરાયેલા જળસંચય અભિયાનમાં કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થાય નહિ તે હેતુથી રાજ્ય સરકાર ધ્વારા ૮ ફલાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ ધ્વારા રાજ્યપાલને રજૂઆત કરી જળસંચય અભિયાનમાં ભ્રષ્ટાચાર થતો હોવાના શરૂ કરાયેલા આક્ષેપ સામે સરકાર દ્વારા ફલાઈંગ સ્કવોડ તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના દરેક ઝોન પ્રમાણે દરેક સ્થળોની મુલાકાત લઇ તમામ માહિતી મેળવી સઘન તપાસ કરશે. જળ સંચયના કામોમાં થતી ગેરરીતિ અટકાવવા પગલાં ભરવાની કામગીરી આ ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કરવામાં આવશે.

વિપક્ષે કર્યા ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ
વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને મળીને કરેલી રજુઆતમાં જળસંચય અભિયાનને નાટક ગણાવવા સાથે આ અભિયાનમાં થતાં કૌભાંડના નાણાં કમલમમાં ઠલવાતા હોવાના આરોપોથી ભાજપ સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. આથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં જળસંચય અભિયાન ઉપર વોચ રાખવા માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સ્કવોડ રાજ્યના ઝોન પ્રમાણે દરેક સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ જળસંચય અભિયાનના કામોની સમિક્ષા કરશે. આ ટીમ જે તે સ્થળોએ થયેલા કામોમાં કામદારો, તળાવ કે ખેત તલાવડીની ઊંડાઈ, સફાઈમાં કચરાનો નિકાલ, માટીનો જથ્થો, ઉપયોગમાં લેવાયેલા જેસીબી, બુલડોઝર, ટ્રેક્ટર વગેરે સાધનો સહિતની માહિતી મેળવી સરકારને રીપોર્ટ આપશે.

જળ સંચય અભિયાનમાં ભ્રષ્ટાચારથી બચવા પ્રયાસ
નર્મદાનું જળ સંકટ સર્જીને રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે, કોૉંગ્રેસ આક્રમક અંદાજમાં અવાજ ઉઠાવી શકી નહોતી. પરંતું, ભાજપ પણ જનતા વચ્ચે જઈ શકે તેવી હાલત રહી નહોતી. આ પરિસ્થિતિમાં ચોમાસાની શરૂઆત પહેલા જળસંચય અભિયાન શરૂ કરીને રાજ્ય સરકારે લોકોની વચ્ચે જવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે ભૂતકાળમાં પણ સુજલામ સુફલામ યોજના સહીત તાડપત્રી અને બોરીબંધ, ખેત તલાવડીના કૌભાંડમાં સપડાયેલી ભાજપ સરકાર ફરી એકવાર જળસંચય અભિયાનમાં ફસાય નહિ તે માટે આ ફ્લાઈંગ સ્કવોડ રચવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સથી કરશે સંવાદ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા એક સાથે રાજ્યના ૬ જિલ્લાના ગામોમાં ચાલતા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના કામોનું માર્ગદર્શન કરશે અને ગામોમાં ચાલી રહેલા કામોની સમીક્ષા હાથ ધરશે.

ગ્રામજનો- સરપંચો સાથે સીધો સંવાદ
વિજય રૂપાણી રાજકોટ, જૂનાગઢ, દાહોદ, તાપી, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાના ગામોમાં ગામ તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાના તેમજ નદી કાંપની સફાઈના કામોની સ્થિતિની માહિતી મેળવવા સાથે ગ્રામજનો-સરપંચ અને સ્થાનિક પંચાયત સભ્યો સાથે આ અભિયાન સંદર્ભમાં સંવાદ કરવાના છે.

ટેક્નોલોજીના માધ્યમથી આપશે માર્ગદર્શન
વિજય રૂપાણી આ અભિયાનમાં નિયમિત પણે વિવિધ સ્થળોએ સ્વયં જઇને શ્રમદાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે, હવે તેઓ જે સ્થળે આ જળ અભિયાનના કામો ચાલે છે તે કામના સ્થળે જ સીધા ટેકનોલોજીના માધ્યમથી ગાંધીનગર બેઠા માર્ગદર્શન કરશે અને કામોનું નિરીક્ષણ કરશે.












Click it and Unblock the Notifications
