વડોદરાઃ ઋષિકેશ પટેલે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજનું નિરીક્ષણ કર્યું
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.

માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રી ને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.
તેમણે જણાવ્યું કે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.
ઇજાગ્રસ્તોની મુલાકાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામની પડખે મજબૂતીથી ઊભી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે, અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.
મંત્રીએ એસ.એસ.જી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી અને ઇજાગ્રસ્તોને અપાતી સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે ઇજાગ્રસ્તોની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડવામાં આવશે.












Click it and Unblock the Notifications
