પેપર ફૂટતા અટકાવવા ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક-2023 વિધાનસભામાં પસાર, જાણો મહત્વની જોગવાઈઓ
વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-2023 રજૂ કર્યુ હતું.
ગાંધીનગર : રાજ્યમાં સતત બની રહેલી પેપર ફુટવાની ઘટનાઓ વચ્ચે યુવાઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ ગુસ્સો જોતા સરકાર છેલ્લા કેટલાક સમયથી સખત કાયદો લાવવાની વાત કરી રહી હતી. હવે સરકારે વિધાનસભામાં બીલ પસાર કર્યુ છે.

વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-2023 રજૂ કર્યુ હતું. અહીં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, કાયદાની મર્યાદાને ઢાલ બનાવીને યુવાનોના ભવિષ્ય સાથે હવે કોઇ રમત કરી શકશે નહિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરતા રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સહેજ પણ સાખી લેશે નહીં.
સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવોા જેવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે ખરીદવાની હિંમત ન કરે તેવો દેશભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરી શકાશે. નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને ૧ કરોડ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
વિપક્ષો પેપર ફુટવાની ઘટનાને લઈને સરકારને ઘેરી રહ્યા છે ત્યારે વિધાનસભામાં તમામ પક્ષોએ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-2023 ને સર્વસંમતિથી પસાર થવા દીધુ હતુ.












Click it and Unblock the Notifications
