દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદથી પૂરની સ્થિતિ, 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, એરફોર્સ તૈનાત
દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારેથી અતિ ભારે વરસાદના કારણે રાજ્યમાં આઠ જિલ્લાઓ જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 12 લોકોના મોત નીપજ્યા છે. કુલ મૃત્યુઆંક 95 સુધી પહોંચી ગયો છે.

નવસારીમાં આફત
મહારાષ્ટ્રમાં પૂર્ણા નદી પરના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીના પ્રવાહમાં વધારો થયો છે જેનુ પાણી નવસારી તરફ આવતા આફતની સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 19 ટીમો તૈનાત છે અને 1 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. એસડીઆરએફની 22 પ્લાટુન અને 1 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. 570 લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બંધ
નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા ત્રણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. ચીખલી-વલસાડ વચ્ચે પાણી ભરાઈ જવાથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. રાજ્યમામ 5467 ગામોમાં વરસાદના કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વળી, વરસાદના કારણે 148 ગામોમાં એસટીના રૂટબંધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 39,177 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે સુરત, ડાંગ, તાપી, નવસારી,, વલસાડ, દમણ, દાદરા-નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે. વળી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
