ગુજરાતમાં ફરીથી આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અલગ-અલગ સ્થળોએ હળવાથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

માછીમારોને દરિયા ન ખેડવા સૂચના
ગુજરાતના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ જ્યારે અમુકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ દરિયાકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. જો કે 26 જુલાઈથી વરસાદનુ પ્રમાણ ઘટશે. અમુક જગ્યાએ સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગે આપ્યુ એલર્ટ
હવામાન વિભાગે શનિવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. રવિવારે પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠામાં, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ તેમજ રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના
અમદાવાદમાં શનિવાર અને રવિવારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ છે. નદીઓ અને જળાશયોની સપાટીમાં પણ વધારો થયો છે. સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગ રુપે તંત્રએ તૈયારીઓ કરી લીધા છે. જિલ્લામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
