રાજ્યમાં વરસાદની મેરેથોન ઈનિંગ્સ યથાવત, અત્યાર સુધીમાં આટલો વરસાદ નોંધાયો
વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો હાલ રાજ્યમાં સિઝનનો કુલ 34.60 ટકા વરસાદ નોંધાયો છે અને 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
રાજ્યમાં વરસાદની મેરેથોન ઈનિંગ્સ યથાવત છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાતા રાજ્યમાં વરસાદની ઘટ હતી તે હવે ધીરે ધીરે પુરી થઈ રહી છે. બીજી તરફ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો હાલ રાજ્યમાં સિઝનનો કુલ 34.60 ટકા વરસાદ નોંધાયો છે અને 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ ગઈકાલથી વરસાદનું જોર પણ થોડુ ઘટ્યુ છે, પરંતું આગાહીને જોતા ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરવામાં આવે તો સરેરાશ રાજ્યમાં 24 કલાક સવા ઈંચથી અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણ અને બારડોલીમાં 29 મિમી વરસાદ, સાપુતારામાં 1 ઇંચ, આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, સમગ્ર રાજ્યમાં 30 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી શકે છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા અને નિંચાણવાળા વિસ્તારોમાથી લોકોને દુર જતા રહેવા જણાવ્યું છે.
રાજ્યમાં વરસાદની મેરેથોન ઈનિંગ્સથી ખેડુતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેતી માટે પુરતો વરસાદ વરસી જતા હવે ખેડુતોને સારા પાકની આશા છે. જુલાઈના શરૂઆતના દિવસોમાં વરસાદ ખેંચાતા ખેડુતો મુંઝાયા હતા, હવે ખેડુતોની તમામ ચિંતા દુર થઈ છે. બીજી તરફ સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થતા કેટલાક જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
