ગુજરાતના કલાકારે જર્મન - ઇટાલિયન વિદ્યાર્થીઓને શીખવી હસ્તકલા
ગાંધીનગર, 5 સપ્ટેમ્બર : કહેવાય છે કે, કલાને કોઇ સીમાડા હોતા નથી તેમાં સંગીત હોય, નાટય સ્વરુપે હોય કે પછી કોઇની આંગળીના ટેરવેથી નીકળતી હસ્તકલા હોય... આવા જ એક કલાના કસબીના હાથે વણાયેલ વિવિધ ચીજવસ્તુઓ આજે સાત સમંદર પાર અમેરિકા સુધી પહોંચી છે.
માત્ર એક રેશમ કે કોટન દોરીમાંથી વ્યકિતના કપડા તૈયાર થાય છે. માન્યામાં ન આવે તેવી વાત છે પણ એકદમ સત્ય વાત છે. એક દોરીમાંથી સ્કર્ટ, ટોપ, મીનીસ્કર્ટ બનાવવાનુ કૌવત ધરાવે છે સુધીર પરમાર. જૂનાગઢ જિલ્લાના બાંટવા રહેતા સુધીરભાઇ પરમાર હાથવણાટનાં કલાકાર છે.
સુધીરભાઇએ લગભગ 300 થી વધુ અલગ અલગ વેરાયટીની હાથ વણાટની વસ્તુઓ બનાવી છે. તેમના હાથોની આંગળીઓ દોરી જોતા જ આપોઆપ સળવળી ઉઠે છે, અને સર્જાય છે એક ઉતમ વસ્ત્ર. છેલ્લા 22 વર્ષથી હાથવણાટની કલાની કસબ દ્વારા સુધીરભાઇ દેશ-વિદેશમાં નામના મેળવી ચૂકયા છે.

અમદાવાદના એનઆઇડીના વિદ્યાર્થીઓને સુધીરભાઇ પરમારે તાલીમબધ્ધ કર્યા છે એટલું જ નહિ ગાંધીનગરની નિફટ સંસ્થાના વિદ્યાર્થીઓને પણ તેમણે તાલીમ આપી છે. સુધીરભાઇ દોરી દ્વારા હાથવણાટથી ઝુલા, લેડિઝવેઅર, શેતરંજી, ગાલીચા, ગૃહ સજાવટની વિવિધ વેરાયટી જેમ કે નાઇટલેમ્પ, તોરણ, ટેબલકલોથ, પગની મોજડી, ચંપલ, મોબાઇલ કવર સહિત 300થી વધુ ચીજ વસ્તુઓની બનાવટ તૈયાર કરી છે.
સંપૂર્ણપણે દોરીમાંથી જ તૈયારી કરેલી તમામ વસ્તુઓનું વેચાણ દેશ-વિદેશમાં કરે છે. ખાસ તો અમેરિકામાં તેમના ઝૂલાની બહુ માંગ રહે છે. જર્મની અને ઇટાલીના વિદ્યાર્થીઓ પણ સુધીરભાઇ પાસેથી આ કલાને હસ્તગત કરી ગયા છે. રાજ્યમાં એકમાત્ર સુધીરભાઇ છોકરીઓના ટોપ, સ્કર્ટ મીનીસ્કર્ટ તથા અનેક વેરાયટી બનાવે છે. તેમની બનાવટોની વિદેશમાં બહુ માંગ રહે છે.
સુધીરભાઇ 25 વર્ષ પહેલા જયારે વ્યારામાં હતા ત્યારે ત્યાંના આજુબાજુના વિસ્તારના લોકો પાસેથી આ કલા તેમણે આત્મસાત કરી હતી. તેમનો શોખ વિકસતો ગયો અને તેમનો ઉત્સાહ પણ બમણો થતો ગયો. આ કલાને તેમણે જીવનમાં વણી લીધી અને છેલ્લા 22 વર્ષથી તેઓએ આ કલાને શોખ-રોજગારી સ્વરુપે સ્વીકારી લીધી છે. શરુઆતમાં મહિને 4થી 5 હજાર રૂપિયા કમાનારા સુધીરભાઇ આ કલાના સથવારે આજે 20થી 25 હજારની કમાણી કરે છે.
રાજય સરકારે આ કલાકારને તેની ઉત્કૃષ્ડ કારીગરી માટે વર્ષ 2003માં એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપી પુરસ્કૃત કર્યા છે. સુધીરભાઇની કલાની વિશેષતા એ છે કે તેઓ દોરીકામ થ્રી ડી ઇફેકટમાં પણ કરી શકે છે. તેમણે સોમનાથ મંદિર અને તાજમહલને થ્રી ડી ઇફેકટમાં બનાવ્યા છે.
સુધીરભાઇની એકમાત્ર ઇચ્છા એ છે કે, આ દોરીની કલા તેઓ રસ ધરાવતી બહેનોને શીખવવા માંગે છે, જેથી બહેનો પણ આ કલા દ્વારા ઘરેબેઠા રોજગારી મેળવી શકે. સુધીરભાઇ ઇન્ડેક્ષ્ટ -સી દ્વારા દેશ-વિદેશમાં પણ પ્રવાસ કરી આવ્યા છે. જેમાં ઇઝરાયલમાં છ માસ રહયા હતા. અમેરિકા અને ઘણા દેશોમાંથી તેમની ચીજ વસ્તુઓના ઓર્ડર પણ આવે છે.
અમેરિકામાં તેમના 900થી ઝુલા વધુ વેચાયા છે. સુધીરભાઇ ઘરેબેઠા પ્રતિદીન 8થી 9 નાની મોટી વસ્તુઓ બનાવે છે જયારે મોટી વસ્તુઓ બનાવવામાં તેમને એક માસ જેટલો સમય લાગે છે.












Click it and Unblock the Notifications
