દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં મોટી કાર્યવાહી, કચ્છમાંથી ત્રણ કાશ્મીરી ઝડપાયા
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદી જિલ્લા કચ્છમાં પોલીસ વિભાગે સઘન તપાસ શરૂ કરી છે, જેમાં વાહન ચેકિંગ અને હોટલોની તપાસનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન ભુજમાં આવેલા એક ગેસ્ટહાઉસમાંથી એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓની અટકાયત કરવામાં આવી છે.
સૂત્રો અનુસાર, SOG ટીમે જનતા ઘર ગેસ્ટહાઉસમાં તપાસ કરતાં આ કાશ્મીરીઓ મળી આવ્યા હતા. ગેસ્ટહાઉસના ચોપડામાં માત્ર એક જ કાશ્મીરી યુવકની નોંધણી થયેલી હોવાથી પોલીસે ગેસ્ટહાઉસના સંચાલક પિતા-પુત્ર સામે પણ ગુનો નોંધ્યો છે. પોલીસે હાલમાં ત્રણેયના મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી આપ્યા છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ત્રણ કાશ્મીરીઓ કચ્છમાં દાન માંગવા આવ્યા હતા. હાલ પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કાશ્મીરીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ અમદાવાદ પહોંચી છે.
આ તપાસમાં કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓની હેરફેર અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરિત હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાત લેતા હતા, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
આરોપીઓ જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાં કટ્ટરવાદીઓનો પ્રભાવ હોવાનું પણ સામે આવ્યું છે. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા યુવાનોને પોતાની ટીમમાં સામેલ કરવા માટે શપથ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો.
આ ત્રણેય આતંકવાદીઓના મોબાઈલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે, જેમાંથી અનેક રહસ્યો બહાર આવી શકે છે. મંગળવારે ATSની ટીમે ત્રણેય આતંકવાદીઓને અડાલજ અને છત્રાલ લઈ જઈને ઘટનાસ્થળની તપાસ કરી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે પંચનામું કરવા લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે તપાસ માટે લઈ જવાયો હતો.
ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે. દિલ્હી કાર વિસ્ફોટ કેસમાં NIAએ તપાસ શરૂ કરી દીધી છે, જેમાં 12 લોકોના જીવ ગયા હતા. પ્રાથમિક અહેવાલમાં આ બ્લાસ્ટ આત્મઘાતી હુમલો ન હોવાનું સ્પષ્ટ થયું છે. ફરીદાબાદમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો પકડાયાની જાણકારી મળતા, હુમલાખોરે ગભરાટમાં આ પગલું ભર્યું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
