કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા રાજ્યના વરિષ્ઠ સચિવોને સોંપાઈ વિવિધ જવાબદારી
સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યનુ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે.
ગાંધીનગરઃ કોરોના મહામારીની બીજી લહેર હજુ થોડી શાંત થઈ છે ત્યાં વૈજ્ઞાનિકોની ચેતવણીને પગલે ત્રીજી લહેરની ચિંતા પણ લોકોમાં છે કારણકે આ લહેરમાં વધુ બાળકો અસરગ્રસ્ત થશે તેવુ કહેવામાં આવ્યુ છે. જો કે સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યનુ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરી કોર કમિટીમી બેઠક યોજી હતી જેમાં વરિષ્ઠ સચિવોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રીજી લહેરના આગોતરા આયોજન માટે ચર્ચા-વિચારણા કરીને દરેક વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટે સૂચનાઓ આપી છે.

વળી, તમામને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને મળી રહે તે માટે અદ્યતન ટેકનોલૉજી સાથેના કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટર ઉભા કરી તેનુ સીધુ જોડાણ સ્ટેટ લેવલે સીએમ ડેશબોર્ડ સાથે કરી રીયલ ટાઈમ મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઈંજેક્શનનો જથ્થો પણ અગાઉથી મેળવી લેવા માટે સૂચન કર્યુ.
બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથાન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વિવિધ વિભાગના સચિવો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલે 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. આજે કોરોના સંક્રમણના 298 કેસ સામે આવ્યા અને 5 દર્દીના મોત થયા. રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10012 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.98 ટકા છે. વળી, 16 જૂન સુધી કુલ 2,18,062 લોકોનુ રસીકરણ થયુ છે.












Click it and Unblock the Notifications
