આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 29 માર્ચથી રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે.

ઈરાન અને અફઘાનિસ્તાન તરફથી આવતા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન આ પલટા માટે મુખ્ય જવાબદાર છે. આ અસરના કારણે આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 27 માર્ચ પછી પવનની ગતિ વધવા સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અંદાજ મુજબ 29 થી 31 માર્ચ દરમિયાન ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ માવઠું પડી શકે છે. આ કમોસમી વરસાદની શરૂઆત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોથી થશે, ત્યારબાદ તે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગળ વધશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ અને જામનગર જેવા જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વડોદરા અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. આ અણધાર્યા વરસાદને કારણે રવિ પાક અને બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. જોકે, વાદળછાયા વાતાવરણ અને પવનોને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે અને તાપમાનમાં ઘટાડો નોંધાશે.
અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે આગામી 4 એપ્રિલ સુધી ગુજરાતનું હવામાન અસ્થિર રહેવાનો અંદાજ છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ વધુ મજબૂત બનશે તો માવઠાની તીવ્રતા વધી શકે છે, જે ખેતી માટે નુકસાનકારક સાબિત થશે. ખેડૂતોને તેમના તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અગાઉથી સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
