Gujarat Weather: હવામાનમાં પલટો, ઠંડી વધી, ભારે પવન અને માવઠાની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ફરીથી હવામાન પલટાયુ છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. વળી, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ધુમ્મસ અને ઝાકળની પણ સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 અને 3 માર્ચના રોજ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદ તેમજ 3 અને 4 માર્ચના રોજ ધૂમ્મસ અને ઝાકળની સંભાવના છે.

વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. વળી, 1થી 5 માર્ચ દરમિયાન અમદાવાદ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં માવઠાની સંભાવના છે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ કે ગુજરાત પર ભારે પવન, આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ આવી શકે છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાનના આ ફેરફારના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.
રાજ્યમાં હાલમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદનુ તાપમાન માત્ર 3 દિવસમાં ગગડી ગયુ છે. વહેલી સવારે અને રાતે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યમાં 8 શહેરોનુ તાપમાન 13 ડિગ્રીથી નીચે છે. તાપમાનનો પારો સામાન્ય કરતા 3 ડિગ્રી ઓછો નોંધાયો છે.
નલિયાનુ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, અમદાવાદમાં 12.1 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. આ ઉપરાંત રાજકોટમાં 11.9 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી, ડીસામાં 12.7 ડિગ્રી, દીવમાં 13.4 ડિગ્રી, મહુવામાં 12.3 ડિગ્રી નોંધાયુ છે.












Click it and Unblock the Notifications
