રાજ્યના આ વિસ્તારોમાં ઠંડી સાથે માવઠાનું જોખમ, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનોનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી હવામાન અંગે નવી આગાહી કરી છે. તેમની આગાહી દર્શાવે છે કે, પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ અથવા છાંટા પડી શકે છે.

અંબાલાલ પટેલના અવલોકન મુજબ, પશ્ચિમી વિક્ષોભો દૂર થતાં હિમાલય તરફના પવનો સક્રિય બને છે, જેના પરિણામે હાડ થીજાવતી ઠંડી પડે છે. જો કે, હાલ રાજ્યમાં છવાયેલા વાદળોને કારણે ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાઈ શકે છે. આવતીકાલથી મોટાભાગના વિસ્તારોમાંથી આ વાદળો વિખેરાઈ જવાની સંભાવના છે.
તેમણે 31 જાન્યુઆરીએ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તેની અસરથી કમોસમી વરસાદ, કરા અને ભારે પવનો સાથે હિમવર્ષા કે બરફના તોફાન થઈ શકે છે. આ વિક્ષોભની અસર 2 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશના ભાગોમાં પણ વર્તાશે.
આગામી ફેરફારોને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. ખાસ કરીને પંચમહાલ વિસ્તારમાં હળવા કમોસમી વરસાદ કે છાંટા પડી શકે છે, જેની અસર વડોદરાના ભાગો સુધી પણ અનુભવાઈ શકે છે. રાજસ્થાનમાં તેની વધુ તીવ્ર અસર થવાની શક્યતા છે.
વધુમાં 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન અન્ય એક પશ્ચિમી વિક્ષોભની સંભાવના છે. તેની અસરથી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત હાડ થીજાવતા બર્ફીલા પવનોને કારણે લઘુતમ તાપમાન ઘટતાં ઊભા કૃષિ પાકોમાં હીમ પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
રાજ્યમાં 4 થી 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડીનો વધુ એક તબક્કો આવવાની પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેને લઈને સાવચેતી રાખવી જરૂરી બનશે.












Click it and Unblock the Notifications
