Gujarat Weather: ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાનુ આગમન, પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનુ આગમન થઈ ચૂક્યુ છે. 4 દિવસ પહેલા જ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ચોમાસુ વહેલુ બેસી જતા ખેડૂતો માટે સારા સમાચાર છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

આઈએમડી મુજબ ગુજરાતના 20 જિલ્લાઓમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 2 ઈંચ વરસાદ થયો છે. પંચમહાલના મોરવા(હડફ)માં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. વળી, 12 જૂને અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
વરસાદી માહોલ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો પણ યથાવત રહ્યો હતો. સોમવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યુ હતુ. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ. સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 43 ડિગ્રી નોંધાઈ હતી. વળી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, રાજકોટ અને ડીસામાં 41.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 41 ડિગ્રી પારો નોંધાયો હતો.












Click it and Unblock the Notifications
