નવરાત્રી બગડશે કે સુધરશે? નોરતા માટે હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather news: લાંબા વિરામ બાદ વરસાદનું જોર વધ્યું છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસાની રીએન્ટ્રી થઈ છે. જેમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ફર્યું છે. રાજ્યમાં ગત અઠવાડિયે ભારે વરસાદ નોંધાયો હતો.
હવે લોકો નવરાત્રીની ઉજવણી અંગે ચિંતિત છે. જન્માષ્ટમીની ઉજવણી ભારે વરસાદના કારણે ધોવાઈ હતી. હવે લોકોના મનમાં સવાલ છે કે, નવરાત્રી ઉજવાશે કે વરસાદના કારણે મજા બગડશે?
ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે જાહેર કરેલા લેટેસ્ટ બુલેટિન મુજબ, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં મોટાભાગના ગુજરાતમાં નવરાત્રીના પ્રથમ ત્રણ નોરતામાં વરસાદ થવાની શક્યતા નથી.

3 થી 5 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
ગુજરાતના અન્ય ભાગોમાં નવરાત્રી અને ગરબાનું આયોજન થાય તેવી શક્યતા વધુ છે. કેમ કે, ઉપરોક્ત જિલ્લા સિવાય વરસાદ થાય તેવી શક્યતા નથી. પહેલા ત્રણ નોરતા દરમિયાન વાતાવરણ સાફ રહેશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉપાડની રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાંથી પસાર થઈ રહી છે. 5 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણ રીતે વિદાય લે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા 3 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર, 2024 સપ્તાહ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 3 થી 5 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદ થાય તેવી શક્યતા છે. આ સાથે 7 થી 12 ઓક્ટોબર સુધી ચિત્રા નક્ષત્ર દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાઈ શકે છે.
આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 અને 12 ઓક્ટોબરની વચ્ચે હળવો વરસવાદ નોંધાઈ શકે છે.












Click it and Unblock the Notifications
