ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાત રાજ્ય હાલમાં ઠંડીનો ચમકારો અનુભવી રહ્યું છે, અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ઉત્તર-પૂર્વના પવનોને કારણે તે યથાવત રહેશે.
તેમણે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનામાં ઠંડીનું જોર વધશે, ખાસ કરીને 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં વધુ કાતિલ ઠંડીનો અનુભવ થશે. આ સાથે ઉત્તર ભારતમાં પણ શીત લહેર જોવા મળશે.

તેમના જણાવ્યા અનુસાર, રાજસ્થાન સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં ઠંડી વધશે. આ સપ્તાહે ઉત્તર ગુજરાતના પાટણ, હારીજ સહિત મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલમાં લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે.
ઠંડી વચ્ચે વાદળછાયા વાતાવરણ અને માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે આગામી દિવસોમાં બપોર પછી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો દેખાઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ ન હોવા છતાં 7 અને 8 ડિસેમ્બર સુધીમાં વાદળો આવી શકે છે અને લગભગ 10 ડિસેમ્બર સુધીમાં અથવા ડિસેમ્બર દરમિયાન છાંટા જેવું માવઠું થઈ શકે છે.
આ દરમિયાન રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદમાં 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત, અમરેલીમાં 13.8, રાજકોટમાં 14.3, ભુજમાં 14.8 અને કંડલામાં 14.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.












Click it and Unblock the Notifications
