કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીમાં ગુજરાતી સમાજને કર્યુ સંબોધન
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે દિલ્હી ખાતે "દિલ્હી ગુજરાતી સમાજ"ના 125 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત અભિનંદન સમારોહને સંબોધિત કર્યો હતો.

અમિતભાઇ શાહે દિલ્હી ગુજરાતી સમાજને ધન્યવાદ પાઠવતા કહ્યું હતું કે કોઈપણ સંસ્થાના દસ વર્ષ પૂર્ણ થાય ત્યારે તે સંસ્થાના સંચાલકોનો ખંત, અને 50 વર્ષ પૂરા થાય ત્યારે તેમના પુરોગામીઓની પણ મહેનત દેખાતી હોય છે પરંતુ જ્યારે કોઈ સંસ્થા 125 વર્ષ પૂરા કરે ત્યારે તે સમાજનો સંગઠિત ભાવ તેમાં પ્રદર્શિત થતો હોય છે. આ સંસ્થામાં અનેક લોકો 125 વર્ષ દરમિયાન જોડાયા છુટા થયા પરંતુ તેમ છતાં સેવાનો આ પ્રયાસ અવિરત ચાલુ રહ્યો તે અભિનંદનને પાત્ર છે.
અમિત શાહે કહ્યું હતું કે "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત" તેઓએ કહ્યું કે દેશભરના નાના-મોટા તમામ ગામો અને 530 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો તે દરમિયાન દરેક જગ્યાએ ગુજરાતીઓ મળ્યા છે. દેશ તેમજ વિદેશમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ગુજરાતીઓ સ્વીકૃતિ ન પામ્યા હોય. જેમ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયાં તેમ ગુજરાતીઓ પણ સમગ્ર વિશ્વમાં એકાકાર થઈને પોતાના ગુણો, મહેનત અને સામર્થ્યથી સ્થાપિત થયા અને અનેક સેવાકાર્યો પણ શરૂ કર્યા.
અમિત શાહે તેમના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળતા કહ્યું કે તેઓ જ્યારે સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુજરાતથી દિલ્હીના પ્રવાસ દરમિયાન તેઓ આ જ ગુજરાતી સમાજમાં રોકાયેલા. આજે દિલ્હીમાં રહીને દિલ્હીવાસી થઈને ગુજરાતીપણાનું સંરક્ષણ, સંવર્ધન કરવું તેને આગળ ધપાવવું, ગુજરાતી ભાષાની શાળાઓ ચલાવી માતૃભાષા શીખવવી અને ગરીબમાં ગરીબ ગુજરાતીને આશરો અને ભોજન આપવું તે કે નાની વાત નથી.
શાહે ઉમેર્યું હતું કે સમગ્ર વિશ્વમાં આજે ભારતનો ડંકો એક ગુજરાતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વગાડી રહ્યા છે. આજે દેશમાં આવતા અનેક વિદેશના મહેમાનો પણ ઈચ્છે છે કે તેમના દેશમાં પણ એક નરેન્દ્ર મોદી હોય. તેઓએ કહ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને બાદમાં નરેન્દ્રભાઈ મોદી આ ચારેય મહાનુભાવો એ દેશના ઇતિહાસમાં અને આધુનિક ભારતને વિશ્વમાં મજબૂતાઇ આપવામાં અપ્રતિમ યોગદાન આપ્યું છે.
શાહે કહ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 9 વર્ષના સેવાકાળમાં આજે ભારતની અર્થવ્યવસ્થા 11 મા ક્રમેથી ૫ માં નંબરે પહોંચી છે. આઈ એમ એફ થી લઈને અનેક એજન્સીઓ ભારતને વિશ્વની અર્થવ્યવસ્થાના ડાર્ક ઝોનમાં એક બ્રાઇટ સ્પોટ તરીકે જોઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ સર્જીકલ અને એર સ્ટ્રાઈક દ્વારા આપણે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો છે કે ભારતના સીમાડાઓ સાથે કોઈ કાંકરીચાળો નહિ ચલાવી લેવાય.
શાહે વધુમાં કહ્યું હતું કે કોરોના સમય દરમિયાન સમગ્ર વિશ્વ હાંફી ગયું હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે 130 કરોડની જનસંખ્યા ધરાવતા દેશમાં કોરોનાની સારવારથી લઈ રસીકરણ સહિતનું કોવિડ મેનેજમેન્ટ ખૂબ સૂચારૂ રૂપે થયું અને પરિણામે લાખો લોકોના જીવ આપણે બચાવી શક્યા. તેઓએ કહ્યું કે આજે વિશ્વમાં સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ, સ્ટાર્ટ અપમાં વિશ્વમાં તૃતીય ક્રમ, રીન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ચોથો ક્રમ, જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમનું નિર્મૂલન આતંકવાદ પર ઝીરો ટોલરન્સ નીતિ, દેશના સીમાડાઓ સુરક્ષિત રાખવા દ્રઢતાપૂર્વકના પ્રયોગો અને પ્રયાસો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયા.












Click it and Unblock the Notifications
