For Daily Alerts
જામનગરઃ એરફોર્સનું ફાઇટર પ્લેન થયું ક્રેશ
જામનગર, 8 નવેમ્બરઃ જામનગર નજીક આજે સવારે ભારતીય વાયુ સેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થઇ ગયું હતું. જેમાં પાઇલોટનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટના જામનગરથી 25 કિમી દૂર રાવલસર પાસે ઘટી છે.
મળતી માહિતી અનુસાર ભારતીય વાયુ સેનાનું મીગ-29 ફાઇટર પ્લેન લઇને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. જે સમયે આ પ્લેન વસઇ-રાવલસર પાસે કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું. પ્લેન ખુલ્લા ખેતરમાં પડ્યું હતું, જ્યાં ક્રેશ થતાંની સાથે જ તેમાં આગ લાગી ગઇ હતી. જો કે પાઇલોટ પેરાશૂટ થકી પ્લેનમાંથી બહાર નીકળી જતા તેને કોઇ ઇજા થવા પામી નથી.
અન્ય માહિતી અનુસાર જે સ્થળે આ પ્લેન ક્રેશ થયું છે, તેની નજીક કેટલાક લોકો ખેતરમાં કામ કરી રહ્યાં હતા, તેમને અચાનક એક મોટો ધડાકો સંભળાયો હતો અને તેઓ એ દિશામાં ગયા હતા જ્યાં પ્લેન ક્રેશ થયેલું તેમને જોવા મળતા અફરા તફરી મચી ગઇ હતી અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બાદમાં એરફોર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની કવાયદ હાથ ધરી હતી, જ્યારે બીજી તરફ પોલીસે ટોળા પર કાબુ મેળવ્યો હતો.