રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન - NeVAનું ઉદ્ઘાટન
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ગુજરાત વિધાનસભા ખાતે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન NeVAનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વર્ષ 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ, ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. તેમણે સમયાંતરે ઘણા પ્રશંસનીય પગલાં લીધાં છે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એ એક મહત્વપૂર્ણ પગલું છે, જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. એક રાષ્ટ્ર એક એપ્લિકેશન ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે, અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ગુજરાત અનેક માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તે એક અગ્રણી ઉત્પાદન કેન્દ્ર અને સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે. તે સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમના સંદર્ભમાં અને રૂફ ટોપ સોલર પાવર જનરેશન અને વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ફ્રન્ટલાઈન રાજ્યોમાંનું એક છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનવ સંસાધનોના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે, તે જાણીને તેમને આનંદ થયો. સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, નોંધણી ગુણોત્તર અને જાળવણી દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે.
તેમણે ગ્રામીણ વિસ્તારોમાં ત્રિ-સ્તરીય આરોગ્ય પ્રણાલી દ્વારા પૂરી પાડવામાં આવતી સારી તબીબી સેવાઓની પ્રશંસા કરી હતી જેણે માતા મૃત્યુનું પ્રમાણ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કર્યો હતો. તેમણે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વીજળી સુધારણા અને જળ સંચય અને પાણી પુરવઠામાં કરેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી. તેઓ રાજ્ય સરકારની પશુ કલ્યાણ માટેની પહેલની નોંધ લઈને ખુશ હતા.
ગૃહમાં મહિલા પ્રતિનિધિત્વ વિશે રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે, પછી તે વિજ્ઞાન અને તકનીક હોય, સંરક્ષણ હોય કે રમતગમત, રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. સમગ્ર દેશની શૈક્ષણિક સંસ્થાઓની તેમની મુલાકાત દરમિયાન, તેમણે જીવનમાં આગળ વધવાની અને દેશ અને સમાજ માટે કંઈક કરવાની છોકરીઓની આકાંક્ષા જોઈ. મહિલાઓને યોગ્ય તકો આપવામાં આવે છે, તેઓ પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે. દેશના સર્વાંગી વિકાસ માટે અડધી વસ્તીની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
G20 સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચનાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, પર્યાવરણીય સંરક્ષણ અને ઉર્જા આત્મનિર્ભરતા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પછી ભારતના નેતૃત્વમાં આ એક બીજું મહત્વનું પગલું છે. ગુજરાત જેવા રાજ્ય માટે આ એક સારી તક છે, જે ઊર્જાના નવીન અને બિન-પરંપરાગત સ્ત્રોતોને પ્રોત્સાહન આપે છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, લોકોના જીવનને સરળ બનાવવા માટે ટેકનોલોજી એ એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને ઇ-વિધાન ધારાસભ્યોને લોકો સાથે જોડાયેલા રહેવામાં વધુ મદદ કરશે. તેઓ ઈચ્છતાં હતાં કે, સંસદીય શિષ્ટાચાર અને ગરિમા જાળવી રાખીને તેઓ આ ગૃહમાં લોક કલ્યાણની ચર્ચા કરવા માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે. તેમના પ્રયાસો માત્ર ગુજરાતને વધુ સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે જ નહીં, પરંતુ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ મહત્વપૂર્ણ રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ડિજિટલ હાઉસ બનવાના આ ઐતિહાસિક અવસરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેપરલેસ ગવર્મેન્ટના અભિગમને વાસ્તવિક રૂપ આપતો અવસર ગણાવ્યો હતો.
સુશાસન કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે અને સિટિઝન ફર્સ્ટ આપણો મંત્ર, સુત્ર અને માર્ગદર્શક સિદ્ધાંત છે. વડાપ્રધાનના આ આદર્શ વિચારમાંથી પ્રેરણા લઈ ગુજરાતે ડિજિટલ ગવર્મેન્ટના અનેક નવા ઈનિસ્યેટિવ્ઝ લીધા છે, તેની ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે આપી હતી.
તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, આ ઈનીસ્યેટીવ્ઝને પરિણામે રાજ્ય સરકારની કાર્યકુશળતા તથા જન કલ્યાણ પ્રતિબદ્ધતાની પારદર્શિતાને વધુ વ્યાપક સ્તરે સુનિશ્ચિત કરી છે.
ગુજરાતમાં 14 હજારથી વધુ ગ્રામ પંચાયતો દ્વારા 321 થી વધુ વિવિધ સેવાઓ ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ઓનલાઈન પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રામીણ ટેલિકોમ પ્રોજેક્ટ ભારત નેટવર્ક અન્વયે 7900થી વધુ ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડાવાની છે, તેની પણ વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતે દેશમાં સૌથી વધુ એવી 158 સેવાઓને ડીબીટી સાથે જોડીને ગરીબ કલ્યાણ યોજનાઓમાં પારદર્શિતા અને વેગ લાવવાની પહેલ કરી છે.
તેમણે રાજ્ય સરકારના નવતર ઈ-ગવર્નન્સ પ્રકલ્પ ઈ-સરકારની વિગતો આપ આપતા ઉમેર્યું કે, સરકારની ફાઈલો હવે ઓનલાઇન પ્રોસેસ થાય છે અને આવી વિવિધ વિભાગોની ૧૦ લાખથી વધુ ફાઈલો પ્રોસેસ કરીને પેપરલેસ ગવર્મેન્ટની દિશામાં ગુજરાતે નક્કર કદમ ભર્યું છે.
તેમણે જણાવ્યું કે, ડિજિટલ ગવર્નન્સના આવા ઈફેક્ટીવ, ઇઝી અને ટ્રાન્સપરન્ટ વર્કિંગ મિકેનિઝમથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકોમાં પ્રશાસન પ્રત્યેનો વિશ્વાસ અને ભરોસો વધુ મજબુત બન્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં G-૨૦ની સફળ યજમાની ભારતે કરી તેનું ગૌરવ કરતાં કહ્યું કે, તેમના માર્ગદર્શનમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ અનેક નવા આયામો સાથે આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ગુજરાત વિધાનસભાને ડિજિટલ હાઉસ બનાવવા 'નેવા' એપ્લિકેશન લોન્ચિંગમાં ઉપસ્થિત રહી અમૂલ્ય માર્ગદર્શન આપવા અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભારતના રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરતા કહ્યું કે, આ રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (નેવા) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ 'વન નેશન, વન એપ્લિકેશન' ના ઉદ્દેશ્ય સાથે પેપરલેસ વિધાનસભાનો પ્રોજેક્ટ છે. વિધાનસભાના આ ત્રીજા સત્રથી નેવા એપ્લીકેશનના અમલીકરણ સાથે આ વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ થઈ ગઈ છે. નેવા દ્વારા ધારાસભ્યો વિધાનસભા સાથે ઓનલાઈન જોડાઈ શકશે અને જાહેર મુદ્દાઓની ચર્ચા સરળતાથી અને ઝડપથી કરી શકશે. નેવા જનપ્રતિનિધિઓને 'ડિજિટલ બ્રિજ' તરીકે જનતા સાથે જોડવાનું કામ કરશે.
વિધાનસભા અધ્યક્ષે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટથી વિધાનસભાની કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા આવશે. સભ્યો માટે જરૂરી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. સમયની બચતની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થશે. વિધાનસભાની કામગીરીને લગતા તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં રજૂ થવાના કારણે દર વર્ષે લગભગ 25 ટન કાગળની બચત થશે.
વિધાનસભા અધ્યક્ષે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-ટ્વેન્ટીમાં LiFE Style for Environmentનો ખ્યાલ રજૂ કર્યો છે. જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે મળીને વૈશ્વિક સમુદાય LiFEને 'આંતરરાષ્ટ્રીય જન આંદોલન' તરીકે ચલાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. પર્યાવરણનું રક્ષણ અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આ દિશામાં ગુજરાતનો આ નાનકડો પ્રયાસ છે. ગૃહના તમામ સભ્યોને બે આઈપેડ આપવામાં આવ્યા છે. એક આઈપેડ વિધાનસભામાં તેમના સ્થાન માટે અને એક આઈપેડ તેમની સાથે રાખવાના હેતુથી આપવામાં આવ્યા છે. નેવાની વિશેષતા એ હશે કે નેવા દ્વારા પ્રસ્તુત કાર્ય નેવા પોર્ટલ/વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.
ગુજરાત વિધાનસભા દેશની પ્રથમ એવી વિધાનસભા છે કે જ્યાં ગૃહમાં રજૂ કરાયેલ તારાંકિત પ્રશ્નો સંબંધિત ઈ-બેલેટ સહિતની સમગ્ર કાર્યવાહી ઓનલાઈન શરૂ થઈ છે.
રાષ્ટ્રપતિએ અનેક ભૂમિકાઓમાં દેશ માટે કામ કર્યું છે તેમ જણાવતા વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, રાષ્ટ્રપતિએ ઓડિશાના એક નાનકડા ગામ મયુરભંજથી રાષ્ટ્રપતિ બનવા સુધી લાંબી સફર ખેડી છે. આ યાત્રામાં તેમણે નબળા વર્ગના લોકોને દરેક રીતે ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આઝાદી પછી જન્મ લેનારા તેઓ પ્રથમ અને દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે.
વિધાનસભા અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના કનૈયાલાલ મુનશી અને હંસાબેન મહેતાએ પણ બંધારણ સભાના સભ્ય તરીકે દેશના બંધારણના નિર્માણમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આઝાદી પૂર્વેની ભારતની પ્રથમ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ચૂંટાયેલા સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલના નામે ગુજરાત વિધાનસભાની ઇમારતનું નામ રાખવામાં આવ્યું છે અને સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર પણ ગુજરાતી હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.
તમામ સભ્યોના સહકારથી ગુજરાત વિધાનસભા રાજ્યની સાડા છ કરોડ જનતાની સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર કરશે, તેવો અધ્યક્ષે વિશ્વાસ વ્યકત કર્યો હતો. અધ્યક્ષે બહુ ઓછા સમયમાં વિધાનસભાને ડિજિટલાઇઝ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિધાનસભાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ, નેવાની ટેક્નિકલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના મંત્રાલય, C.P.M.U. નેવા ટીમ, NIC અને રાજ્ય સરકાર તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના સફળતાપૂર્વક બે વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રપતિ મુર્મુજીએ દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના સૌ સભ્યો, સાંસદો, પૂર્વમંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, તંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, વિશેષ આમંત્રિતો સહિત પદાધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
