લાંબા ગાળાથી ગેરહાજર શિક્ષકોની મુશ્કેલીમાં વધારો, સરકાર કરશે આકરી કાર્યવાહી
Gujarat Government: થોડા દિવસો પહેલા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસેના ગામની સરકારી શાળાનો હતો.
આ શાળાની એક શિક્ષિકા અમેરિકામાં રહે છે, પણ ગુજરાતની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, અને તેનો પગાર પણ લઈ રહી છે.
આ કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાના જે શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે અથવા તો વિદેશમાં વસવાટ કરે છે, તેવા શિક્ષકોની તપાસ કરવામાં આવશે.
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ, રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આવા શિક્ષકોની યાદી તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં રજા પર રહેલા કે વિદેશમાં રહેતા શિક્ષકોની તપાસ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, તપાસના આદેશ આપ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયેલા શિક્ષકોની માહિતી પ્રાપ્ત થઈ છે.

નોંધનીય બાબત છે કે, આ શિક્ષકોને હવેથી પગાર અપાશે નહીં. આ સાથે તેમની સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરાશે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારના કિસ્સાઓ રાજ્યના શિક્ષણ ક્ષેત્રને કલંક લગાડે છે, અને સરકારી કર્મચારીના લોકશાહી હકનો દુરુપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી માટે તંત્ર સજ્જ છે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકોને જરૂરીયાત મુજબ ત્રણ થી છ મહિના સુધીની રજા આપવામાં આવે છે, પરંતુ જ્યારે તેનો દુરુપયોગ થાય છે, ત્યારે કડક પગલાં લેવાની જરૂર પડે છે.
આ હેઠળ પ્રોકસી શિક્ષકોની માહિતી પણ મંગાવવામાં આવી છે, અને તમામ વિગતો એક અઠવાડિયામાં રિપોર્ટના આધારે કડક પગલા લેવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને શિસ્ત લાવવાનો પ્રયાસ છે, અને આ પગલાના કારણે શિક્ષણ તંત્ર વધુ મજબૂત બનશે.












Click it and Unblock the Notifications
