અનાર પટેલનેખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા, રાજકારણમાં એન્ટ્રીની તૈયારી?
રાજકોટના કાગવડ ખાતે આવેલા લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઘોષણા સાથે હવે સંગઠનના તમામ પાયાના કાર્યોની જવાબદારી અનાર પટેલ સંભાળશે.

આ જાહેરાત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ ૨૦૨૬ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કરી હતી. અનાર પટેલ હવે ખોડલધામના સંગઠન સંબંધિત કાર્યોનું સંચાલન કરશે, જે સંસ્થાના વિકાસ અને સમાજ સેવાના કાર્યોને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે.
અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલે પોતાનું પ્રથમ નિવેદન આપતાં સમાજની સંગઠન શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે સંસ્થાએ તેમનામાં મૂકેલા વિશ્વાસને નિભાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અનાર પટેલે સ્પષ્ટ કર્યું કે, જ્યારે સમાજ હિતની વાત હોય ત્યારે કદાચ મતભેદો હોઇ શકે પરંતુ પરસ્પર મતભેદ નહિ.
તેમણે સમાજનું મહત્વ સમજાવતાં ઉમેર્યું કે, સમાજ મોટો છે અને આપણી ઓળખ સમાજથી જ છે. અનાર પટેલે સમાજના હિતના કાર્યોમાં નરેશ પટેલને ટેકો આપવાનું આહ્વાન કર્યું હતું, ટીકા કરવાને બદલે સહયોગ આપવો તેવો સંદેશ આપ્યો હતો. આ નિર્ણયને કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ વધાવ્યો હતો.
નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતી વખતે જણાવ્યું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પડદા પાછળ રહીને જોડાયેલા અનાર પટેલ હવે ખોડલધામના સંગઠન માળખાનું સીધું નેતૃત્વ કરશે. આગામી સમયમાં તેમની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
કન્વીનર મીટ ૨૦૨૬ ના કાર્યક્રમમાં નરેશ પટેલે વધુમાં કહ્યું કે, "પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે." તેમણે ૧૧ ઝોન ધરાવતા ખોડલધામ સંગઠન માટે અમદાવાદ ઝોનમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની ૩ અધ્યક્ષની સમિતિની પણ નિમણૂક કરી છે, જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે.












Click it and Unblock the Notifications
