જાણો આઝાદીની ચળવળમાં કેવી હતી ગાંધીનગરની ભૂમિકા
2 ઓગષ્ટ, ગાંધીનગર: ગુજરાતનું પાટનગર ગાંધીનગર રાજકીય રમતો અને લીલોતરી માટે જાણીતું છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીનગરે પણ આઝાદીની ચળવણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે તમને જણાવીશું કે આઝાદીની ચળવળમાં ગાંધીનગરની કેવી ભૂમિકા રહી હતી. ઇ.સ.1857ના મહાન બળવા દરમિયાન આજના ગાંધીનગરની મહત્વની ભૂમિકા રહી હતી.
પાટણના વણિક મગનલાલ ભૂખણે સિપાઇઓની ભરતી કરી. તેમણે હથિયારો એકઠા કરવા લોદ્રા ગામ પર આક્રમણ કર્યું. આ ગામ ગાંધીનગર જિલ્લાથી 28 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે ગાંધીનગરને અડીને આવેલું પેથાપુર ગામ હથિયારો બનાવવા માટે પ્રખ્યાત હતું. ગાંધીનગર જિલ્લાના દેશપ્રેમી પનોતા પુત્ર હિરાલાલ મોતીલાલ ઝવેરીએ ભારતીય ક્રાંતિકારોને મદદ કરી. તેમણે પ્રખ્યાત ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વમૉ વગેરેને મદદ કરી, શ્યામજી કૃષ્ણ વમૉ ભારતના સ્વાતંત્ર્ય માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં ચળવળ ચલાવી હતી.

1916માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના થઇ. પ્રજામંડળે ડૉ.સુમંતભાઇ મહેતાએ ત્યાં આશ્રમ સ્થાપ્યો અને તેની દેખરેખ હેઠળ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં તેની પહેલી શાખા શરૂ કરી હતી. હકિકતમાં તે સ્વતંત્રતા ચળવળ માટે લોકોને તાલીમ આપવાનું કેન્દ્ર હતું. ગાંધીનગર જિલ્લાના લોકો 1930ની સત્યાગ્રહ ચળવળ દાંડીકૂચમાં જોડાયા હતા. ઉનાવાના વિદ્યાર્થી આશ્રમે બુલેટીનો સાઇકલોસ્ટાઇલ કરાવી દૂરના સ્થળોએ વહેંચવા માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી. આશ્રમે તેના સ્થાપકના માર્ગદર્શન હેઠળ માંદા અને ભૂગર્ભ કાર્યકરોને ખાનગી આશ્રય આપ્યો હતો.
બ્રિટીશ તપાસ અધિકારીઓએ આશ્રમની મુલાકાત લીધી પણ તે આશ્રમમાં દેશદ્રોહ કહેવાય તેવું કંઇ શોધી શક્યા નહીં. ગાંધીનગર જિલ્લાના રાંધેજાના વતની ડાહ્યાભાઇ શુક્લએ મુંબઇમાં સત્યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો. તેમણે મુંબઇમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્યાગ્રહ કર્યો. તેની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને કેદ કરવામાં આવ્યા અને દેવલાલી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સભા-સરઘસ અને હડતાળ સામાન્ય બન્યાં ત્યારે રાંધેજાના બે શિક્ષકો પણ સત્યાગ્રહ ચળવળમાં જોડાયા હતાં.
આ દિવસોમાં સી. પી. મુનિ નામના સામાજીક કાર્યકરે રાંધેજામાં મુકામ કર્યો હતો. તેણે જુદા જુદા ગામોમાં જઇ, સભાઓ યોજી અને પ્રવચનો યોજી જિલ્લાના લોકોને જાગૃત કર્યા હતાં. 1942માં ભારત છોડો ચળવળના દિવસોમાં આ જિલ્લાએ ખૂબ ઉત્સાહથી તેની કામગીરી કરી હતી. આ બાબતો સ્પષ્ટ કરે છે કે, ગાંધીનગર જિલ્લો સ્વતંત્રતા ઝુંબેશમાં ભાગ લેવામાંથી કદી દૂર રહ્યો ન હતો.












Click it and Unblock the Notifications
