મોડી રાત્રે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું સમ્મેલન, જાણો શું ચર્ચા થઈ?
ગુજરાતમાં પ્રથમ વખત ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મધરાત્રિએ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ૨૬મી જાન્યુઆરીની મધ્યરાત્રિએ યોજાયેલા આ સંમેલનમાં સમાજના ઉત્થાન, શિક્ષણ અને સામાજિક સુધારણા માટે મહત્વના સંકલ્પો લેવાયા હતા.
ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાજિક કુરીવાજો દૂર કરી સમાજને સશક્ત બનાવવાનો હતો, જે એક નવો ઇતિહાસ બની રહ્યો છે.

આ ઐતિહાસિક સંમેલનમાં રાજ્યભરના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી. આમાં સાંસદ ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર
અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જેવા દિગ્ગજ નેતાઓ મંચ પર દેખાયા હતા. નેતાઓ ઉપરાંત કલા જગતમાંથી વિક્રમ ઠાકોર અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા કલાકારોએ પણ ઉપસ્થિત રહ્યા.
સાંસદ ગેનીબેન ઠાકોરે પણ શિક્ષણ, કુપોષણ અને બેરોજગારી સામે વૈચારિક ક્રાંતિ લાવવા માટે સમાજને હાકલ કરી હતી. તેમણે ખાસ કરીને કન્યા કેળવણી પર ભાર મૂકતા જણાવ્યું કે, દીકરીઓને ૧૨મા ધોરણ સુધી ભણાવવી જોઈએ અને તેમને આત્મનિર્ભર બનાવવી જોઈએ. આ સાથે જ તેમણે એક સમાજ, એક રિવાજની વાત કરી.
કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે પણ સમાજને એક રહેવાની અપીલ કરી હતી અને ડીજે સંચાલકોના વ્યવસાય અંગે યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર અને બળદેવ ઠાકોરે પણ લગ્નના ખોટા ખર્ચા બંધ કરી તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવા પર ભાર મૂક્યો હતો.












Click it and Unblock the Notifications
