ઘેડ બાબતે મનસુખ માંડવીયાની જાહેરાત પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ઘેડ વિકાસ સમિતિના 11 ઠરાવ પર આધારિત માંગથી અડગ રહેવાની વાત કરી છે. મનસુખ માંડવીયાની ઘેડ બાબતેની તાજેતરની જાહેરાત પછી પાલ આંબલિયાએ ઘણા સવાલો ઉભા કર્યા છે.
પાલ આંબલિયાએ કહ્યું કે, મનસુખ માંડવીયાએ જાહેરાતમાં 180 કરોડ, 450 કરોડ અને 1500 કરોડના આંકડાઓ વિશે માહિતી આપી, જેમાંથી કયું સાચું છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પાલ આંબલિયાએ કહ્યું કે, મનસુખ માંડવિયાએ હાલના વર્ષોમાં તૂટેલી નદીઓના રીપેરીંગ અંગે એક પણ શબ્દ કેમ ન કહ્યો? કેટલીક નદીઓ હજુ તૂટેલી સ્થિતિમાં છે, ચોમાસા પહેલાં તે રીપેર કરાશે કે કેમ?
દર વર્ષે 100 ગામોમાં સંપર્ક વિહોણા થવાના મુદ્દે પણ આંબલિયાએ પ્રશ્નો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે, આવતા ચોમાસે આ સમસ્યાનું સમાધાન લાવવામાં ક્યારે આવશે? ખેતર વિસ્તારોમાં ખેતી અને જમીન ધોવાણના કારણે થયેલા નુકસાન માટે વળતર વિશે સ્પષ્ટતા જરૂરી છે.
પાલ આંબલિયાએ ઊબેણ અને ભાદર જેવા વિસ્તારોમાં કેમિકલ કચરા ઠાલવવાનો મુદ્દો ઉઠાવ્યો. ખેડૂતોના જમીન ધોવાણ અને તેની અસર અંગે સરકારના ઝડપી પગલાં લેવાની પણ માંગ કરી.
તેમણે કહ્યું કે, ઘેડ વિકાસ સમિતિ સાથે એક્શન પ્લાનની ચર્ચા કેમ નથી થઈ રહી? ચાલુ વર્ષના 170 કરોડના બજેટની અમલવારી અંગે પણ સ્પષ્ટતા માગી. BJP સરકાર દ્વારા તાંત્રિક મંજૂરી અપાય છે પરંતુ સૈદ્ધાંતિક મંજૂરી કેમ નહીં?
1500 કરોડ મુદ્દે પાલ આંબલિયાએ કહ્યું કે, જો આ લોલીપોપ ન હોય તો એકશન પ્લાન જાહેર કરવો જોઈએ. તેમણે સરકારના આંકડાઓ પર શંકા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
